રાજકોટના જામનગર રોડ પર પડધરી પાસે 30 એકર જગ્યામાં રૂપિયા 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. જેમાં 5,100 નિરાધાર, નિ:સંતાન અને બીમાર વડીલોને આશ્રય આપવામાં આવશે, ત્યારે તેના લાભાર્થે શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથા આજે સંપન્ન થઈ હતી, ત્યારે આ રામકથામાં 60 કરોડનું દાન એકત્ર થયું હોવાનું સદભાવના વૃદ્ધાશ્રમના મોભી વિજય ડોબરીયાએ જાહેર કર્યું હતું. જોકે, ભૂમિ પૂજન વખતે 60 કરોડ એકત્ર થયાનું જણાવ્યું હતું એટલે કે અત્યાર સુધીમાં કુલ 120 કરોડનું દાન પ્રાપ્ત થયું છે.
સમગ્ર રામકથામાં 3,000 સ્વયંસેવકોની ટીમ ખડે પગે આ રામકથામાં મોરારિ બાપુએ 3 કરોડનું તુલસી પત્ર આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તો ભાઈએ 5 લાખનું દાન આપ્યું હતું. આજે પૂર્ણાહૂતિ વખતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વ્રજરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમમે મોરારિ બાપુને કૃષ્ણ કથા યોજવા માટે વિનય કર્યો હતો તો ઋષિકેશથી પધારેલા ચિદાનંદ સરસ્વતી મહારાજે વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં માય વે અથવા નો વે છે, જ્યારે ભારતીય સંસ્કૃતિમાં અન્ય લોકોનું કલ્યાણ કરવા માટેની ભાવના છે. સમગ્ર રામકથાના આયોજન માટે 3,000 સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહી હતી, ત્યારે આજે સૌથી નાનો સાત વર્ષની ઉંમરનો સ્વયંસેવક શૌર્ય કાકરેચા કે જેને આ કથા માટે 100થી વધુ વીડિયો બનાવ્યા. નાનપણથી જ વડીલોની સેવા અને વૃક્ષોના જતન માટેનો સંદેશો આપતા આ બાળકે હનુમાન ચાલીસાનો ગુજરાતી અર્થ કંઠસ્થ કરેલો છે.
માનસ સદભાવના રામકથાના નવમાં દિવસે મોરારિ બાપુએ ક્હ્યું કે, હવે વૃદ્ધોપનિષદ અને વૃક્ષોપનિષદ રચાવાના શરૂ થઈ ગયા છે. મને દેશ વિદેશમાંથી સમાચાર મળી રહ્યા છે કે, આ કથા સાંભળીને અનેક લોકો વૃક્ષારોપણ કરવા લાગ્યા છે. આજે અંતિમ દિવસે આપની પાસે એક જ દક્ષિણા માગુ છું કે, સૌ પાંચ પાંચ વૃક્ષો તો વાવજો જ. મોરારિ બાપુએ પોતાને આફ્રિકાથી મળેલા કચ્છના એક યુવાનનો સંદેશ વાંચી સાંભળાવતા કહ્યું કે, આ છોકરાએ પોતાના મિત્રો સાથે મળીને આફ્રિકામાં 50 વૃક્ષો વાવ્યા તો લંડનથી મળેલા એક ફ્લાવરના સંદેશ મુજબ ત્યાં કેટલાય પરિવારો 5-5 વૃક્ષો વાવી રહ્યા છે.
વનવાસથી લઈ રાજ્યાભિષેક સુધીની કથા વર્ણવી મોરારિ બાપુએ આજે આગળ ધપાવેલી રામકથામાં ભગવાન રામના વૈભવ અંગે વાત કરી સમૃદ્ધિ ક્યાંકને ક્યાંક દુખનું બીજારોપણ કરે છે એવું જણાવ્યું. બાદમાં કૈકયીનું વચન પાળવા રામે સ્વીકારેલો વનવાસ, ભરતને રાજગાદી બાદ ભરતનું નંદીગ્રામમાં પ્રયાણ, કૌશલ્યાનો વિલાપ, મારીચ સાથે મળીને રાવણે કરાવેલું સીતાનું હરણ, જટાયુની શહીદી, શબરીના આશ્રમે રામનું આગમન, નારદજી સાથે રામનું મિલન, હનુમાનનો લંકા પ્રવેશ, લંકા દહન, સેતુ બંધ અને રામેશ્વરની સ્થાપનાથી લઈ રાવણને મોક્ષ, વિભીષણને રાજ અને રામનું અયોધ્યા આગમન અને રાજ્યાભિષેક સુધીની કથા ભાવથી વર્ણવી હતી.
તેમણે આજે સાત પ્રકારની ઔષધિનો ઉલ્લેખ કર્યો જેમાં ગ્રંથો, ગ્રંથોમાં રહેલું હરીનામ, સુર્ય, ગાયનું દૂધ, બુદ્ધ પુરુષોનો સંગ, વૃદ્ધ અને વૃક્ષને ઔષધિ ગણાવ્યા. તેમણે દરેક ઘરમાં ત્રણ ત્રણ આશ્રમો હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે ઘરમાં બાળકો, માતા પિતા અને દાદા દાદી રહેતા હોય ત્યારે ત્રણ આશ્રમોની સ્થાપના આપોઆપ થઈ જાય છે અને આવા ઘરે જ્યારે સન્યાસી ભિક્ષા માટે આવે છે ત્યારે ચોથો આશ્રમ પણ સર્જાય છે. મોરારિબાપુએ અંતે જણાવ્યું કે, અહી સંવાદનું સમાપન નથી થતું પણ નિરંતર સંવાદ ચાલુ રહે એ માટે આપણે સંવાદને અલ્પવિરામ આપીએ છીએ. તેમણે આ કથા વૃદ્ધો અને વૃક્ષોને અર્પણ કરી હતી.
મોરારિ બાપુનું ગ્રીન મેન વિજય ડોબરીયાને પદ્મશ્રીથી નવાજવાનું સૂચન મોરારિ બાપુએ સદભાવનાના મોભી વિજયભાઈ ડોબરીયાના સેવાકાર્યની અનુમોદના કરતા કહ્યું કે, આ માણસ (વિજયભાઈ ડોબરિયા)ને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળવું જોઈએ. પદ્મશ્રી મળવો જોઈએ. એ બહુ ઓછું બોલે છે પણ બોલે છે ત્યારે ભાવથી બોલે છે અને એ કંઈ કરે છે એવો કોઈ દાખડો કરતા નથી. નેપથ્યમાં રહે છે. એમની સેવાને મારો સાધુવાદ.
દાતાઓના દાનની સરવાણી
દાતા | દાન |
ભીખુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) | 5 કરોડ |
પીપળીયા પરિવાર | 5 કરોડ |
નરેશભાઈ પટેલ | 1 કરોડ |
જયસુખભાઈ જસાણી | 1 કરોડ |
લાલજી પટેલ | 1 કરોડ |
સુરેશભાઈ (જે. કે. ડાયમંડ) | 1.5 કરોડ |
વિરેશ બારાઈ | 1.5 કરોડ |
ચંદ્રકાંત ભાલાળા | 1 કરોડ |
પ્રતાપભાઈ પટેલ (ટર્બો ગ્રુપ) | 1.5 કરોડ |
શંભુ પરસાણા | 2.5 કરોડ |
માલાણી કન્સ્ટ્રક્શન | 1.25 કરોડ |
જે. કે. સ્ટાર ડાયમંડ ગ્રુપ | 2.5 કરોડ |
અનુ તેજાણી | 2.5 કરોડ |
મનીષ માદેકા (રોલેક્સ ગ્રુપ) | 2.5 કરોડ |
પાલા ગ્રુપ (મનસુખ પાલા) | 1.5 કરોડ |
જવાહર ધોળકિયા | 1.5 કરોડ |
કનુ અકબરી | 1 કરોડ |