
- ટુર્નામેન્ટ રદ થવાના સમાચારે જુનિયર રેસલર્સનો ઉત્સાહ તોડી નાખ્યો છે.: અખાડાના કોચ
નવીદિલ્હી, ’મેં ૨-૩ અઠવાડિયામાં ૪ કિલો વજન ઘટાડ્યું. ૪૬થી ૪૨ કિલો વજન કર્યું. આ માટે ડાયટ પર કંટ્રોલ કર્યું. રોટલી ખાવાનું બંધ કર્યું, ભાત, ઘી બિલકુલ નહીં. માત્ર ફળ ખાતી હતી. પાણી પીવાનું પણ ઓછું કરી દીધું હતું. આટલી ગરમીમાં દિવસભરમાં એક-બે ગ્લાસ પાણી પીતી હતી. દરરોજ ૬ કલાક પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ શું થયું, ટૂર્નામેન્ટ જ રદ થઈ ગઈ. બધી મહેનત વ્યર્થ ગઈ.આ માન્યા છે. દિલ્હીમાં રહે છે. ઉંમર ૧૪ વર્ષ. નેશનલ્સ રમી ચૂકી છે. સ્કૂલ ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ જીત્યા. આ વખતે અંડર-૧૫ રમાવાની હતી, પરંતુ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા રચાયેલી એડહોક કમિટીએ ચેમ્પિયનશિપ જ રદ કરી દીધી. આ ચેમ્પિયનશિપ પુણેમાં ૩૦ મેથી ૨ જૂન દરમિયાન યોજાવાની હતી.
દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોએ ધરણા કર્યા બાદ થયેલા હોબાળા વચ્ચે આઇઓએએ રેસલિંગ ફેડરેશનનું કામ એડહોક કમિટીને સોંપ્યું હતું. એક મહિનો અને ૫ દિવસ થઈ ગયા. જંતર-મંતર પર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક વિરોધ કરી રહ્યાં હતાં. તેમણે કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા શરૂ કરી દીધા હતા.૨૮ મે, રવિવારના રોજ ત્રણેયને પોલીસે કસ્ટડીમાં લીધા. બ્રિજભૂષણ શરણ સિંહનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. એડહોક કમિટી નવેસરથી ચૂંટણી યોજશે. સિનિયર રેસલર્સની આ ફાઇટમાં જુનિયર રેસલર્સ ફસાયા છે. કેવી રીતે, અમે જાણવા માટે અમે જંતર-મંતરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર ગુરુ પ્રેમનાથ અખાડા પહોંચ્યા.દાવો કરવામાં આવે છે કે દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની મહિલા રેસલર્સ અહીં ટ્રેનિંગ લે છે. અખાડાનું રજિસ્ટ્રેશન સોનકર વ્યાયામશાળાના નામે છે, પરંતુ તે ગુરુ પ્રેમનાથ અખાડા તરીકે પ્રખ્યાત છે. અમે અહીં પહોંચ્યા ત્યારે ૧૪-૧૫ વર્ષની છોકરીઓ મેટ પર એકબીજાને પટકી રહી હતી. તેમની સંખ્યા બહુ મોટી નથી.કારણ પૂછ્યું તો ખબર પડી કે ઘણા કુસ્તીબાજો ઘરે ગયા છે, જેઓ છે તેઓ પણ અડધેથી તાલીમ લઈ રહ્યા છે. કારણ, એક પછી એક ટુર્નામેન્ટો રદ થઈ રહી છે. અગાઉ ગોંડામાં ૧૮થી ૨૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી સિનિયર નેશનલ રેક્ધિંગ સિરીઝ અને અંડર-૨૦ નેશનલ ચેમ્પિયનશિપ રદ કરવામાં આવી. હવે અંડર-૧૫, અંડર-૨૩ નેશનલ રેક્ધિંગ સિરીઝ અને નેશનલ ચેમ્પિયનશિપ પણ નથી થઈ રહી.
અખાડાના કોચ વિક્રમ સોનકર છે. તે કહે છે, ’ટુર્નામેન્ટ રદ થવાના સમાચારે જુનિયર રેસલર્સનો ઉત્સાહ તોડી નાખ્યો છે. તે આ ટુર્નામેન્ટ માટે પ્રેક્ટિસમાં પરસેવો વહાવી રહ્યા હતા. ઘણા લોકો માટે આ ટુર્નામેન્ટમાં સામેલ થવાનું છેલ્લું વર્ષ હતું. આ જુનિયર કુસ્તીબાજોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. અમે આ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ૧૭ અને ૨૭ મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી છે. આગામી સુનાવણી ૩૧મી મેના રોજ થવાની છે.’
વિક્રમ સોનકર મેટ પર કુસ્તી રમતી માન્યા તરફ ઈશારો કરીને કહે છે, ’તે અમારા અહીંની શ્રેષ્ઠ કુસ્તીબાજ છે. એવી અપેક્ષા હતી કે આ વખતે તે રાજ્ય, રાષ્ટ્રીય અને પછી આંતરરાષ્ટ્રીય રમશે. મેડલ પણ લાવી શક્તી હતી, પરંતુ ટૂર્નામેન્ટ જ રદ થઈ ગઈ.અમે જોયું કે માન્યા તેની આજુબાજુમાં કોઈ ન હોય તેવી રીતે તેની દાવપેચમાં ખોવાયેલી છે. વિક્રમ કહે છે, ’ગર્લ્સ આટલી ગરમી છતાં પાણી પીધા વિના પ્રેક્ટિસ કરે છે, જેથી વજન કંટ્રોલમાં રહે. હવે તમે વિચારો કે ટૂર્નામેન્ટ રદ કરવી અમારા માટે કેટલો મોટો ફટકો છે.ટૂર્નામેન્ટ્સ કેમ રદ થઈ રહી છે? વિક્રમે જવાબ આપ્યો, ’જુઓ, ફેડરેશન અને રેસલર્સ વચ્ચે શું ચાલી રહ્યું છે તે બધા જાણે છે. આથી કુસ્તીનું કામ યોગ્ય રીતે ચાલે તે માટે એડહોક કમિટીની રચના કરવામાં આવી હતી. યોગ્ય કામગીરીનો અર્થ એ નથી કે ટૂર્નામેન્ટ રદ કરવી પડે એવું તો નથી ને. અહીં એક પછી એક ટૂર્નામેન્ટો રદ થઈ રહી છે.
’સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે અંડર-૧૫ અને અંડર-૨૦ સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપ્સ રદ કરવામાં આવી. તેની અસર એશિયન ચેમ્પિયનશિપ પર પણ પડશે. અંડર-૨૦ અને અંડર-૧૫ એશિયન ચેમ્પિયનશિપ ૧૨થી ૨૦ જુલાઈ દરમિયાન જોર્ડનમાં યોજાવાની છે. આમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ ૧૨ જૂન છે. જો બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય નહીં રમે તો તેમની એન્ટ્રી કેવી રીતે થશે? આમાં જે બાળકો જીતે છે તે જ આગળની ચેમ્પિયનશિપ માટે રજિસ્ટ્રેશન થાય છે.