
ભારત આજે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. બાહુબલી રોકેટ LVM-3 આજે ચંદ્રયાન-3ને લઈને રવાના થશે. તે પોતાની સાથે 140 કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં ખુશી બનીને ઉભરશે. મિશન સફળ થવાની આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.
ચંદ્રની સપાટી અને વાતાવરણનો અભ્યાસ કરવા માટેની પહેલ રશિયા દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, રશિયાએ 1958થી અત્યાર સુધીમાં 34 વખત મૂન મિશન હાથ ધર્યા છે અને તેમાંથી 7 વખત જ તેને સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત જ્યારે આઝાદ થઈને હજી તો લોકશાહીને સેટ કરી રહ્યો હતો તે સમયગાળામાં રશિયાએ અવકાશી દુનિયામાં પ્રયોગો હાથ ધરી દીધા હતા. રશિયા દ્વારા વિશ્વમાં પહેલી વખત ચંદ્રના પરિભ્રમણ માટે 2 જાન્યુઆરી 1959માં આ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. લુના-1 નામનું યાન ખૂબ જ ઓછા સમયમાં ચંદ્રના ઓર્બિટમાં પહોંચ્યું હતું પણ ત્યારબાદ તે નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ તેણે લુના-2 નામનું મિશન લોન્ચ કર્યું હતું. તે 1959માં જ લોન્ચ કરાયું હતું. આ મિશન 12 સપ્ટેમ્બર 1959ના રોજ લોન્ચ કરાયું હતું. મહત્વનું છે કે, 11 ઓગસ્ટે લોન્ચ કરાયેલું લુના-25 મિશન નિષ્ફળ ગયું હતું. લુના-25 21 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. આ દરમિયાન તે ચંદ્ર સાથે અથડાયું હતું. જેના કારણે મિશન નિષ્ફળ ગયું.
રશિયાની સાથે તમામ બાબતે સ્પર્ધામાં રહેતા અમેરિકા દ્વારા અવકાશી સંશોધનોમાં પણ ઝડપ કરવામાં આવી હતી. રશિયાની સફળતાને જોઈને અમેરિકાએ મૂન મિશન શરૂ કરી દીધા હતા. તેણે અત્યાર સુધીમાં 31 મૂન મિશન કર્યા છે જેમાંથી 14માં તેને સફળતા મળી છે. નાસાએ 20 જુલાઈ 1969ના રોજ એપોલો-11 નામનું યાન ચંદ્રની સપાટી ઉપર મોકલ્યું હતું. આ યાનમાં અવકાશયાત્રીઓ પણ સવાર હતા. નિલ આર્મસ્ટ્રોંગે પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં નાસા દ્વારા ઘણા સમાનવ અને અમાનવ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. આગામી સમયમાં તે ફરી એક વખત સમાનવ અભિયાન હાથ ધરવાનું છે. ભારતનું આ મિશન તેના માટે દિવાદાંડી સમાન બનશે તેવી તેની ધારણા છે.
ભારત અને અમેરિકાના કટ્ટર હરિફ ગણાતા ચીન દ્વારા પણ અવકાશી સંશોધનની કામગીરી ખૂબ જ વહેલી શરૂ કરવામાં આવી છે. તેણે 1970ના દાયકામાં જ મૂન મિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. 1976માં ચીન દ્વારા પહેલી વખત ચંદ્ર ઉપર યાન મોકલવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ચીને સાત વખત આ પ્રયોગો કર્યા છે અને તમામમાં તે સફળ રહ્યું હોવાના દાવા કર્યા છે. 2013થી શરૂ કરીને 2020 સુધીમાં વિવિધ ચાંગ મિશન તેણે હાથ ધર્યા છે અને ગત વર્ષે તેનું યાન ચંદ્ર ઉપરની માટી પણ લઈને આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2030 પહેલાં ચીન દ્વારા ચંદ્રની ધરતી ઉપર સમાનવ યાન ઉતારવાની પણ જાહેરાત કરી દેવાઈ છે.
અવકાશમાં સંસોધન બાબતે ભારતનું સ્થાન ઘણું આગળ છે પણ અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરવામાં હાલમાં ઈસરોની તોલે કોઈ આવતું નથી. સરકારી અને ખાનગી સેટેલાઈટ છોડવાનું દેશ-વિદેશનું કામ ઈસરો પાસે છે. આ ઈસરો દ્વારા 2008માં ભારત માટે પહેલી વખત મૂન મિશન ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. તે એક વર્ષમાં જ સંપર્ક વિહોણું થઈ જતાં તેનો અંત આવ્યો હતો. તેના 11 વર્ષ બાદ 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું જે ચંદ્રની સપાટીથી માત્ર 2 કિ.મી દૂર હતું ત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું અને આ મિશન પણ ખોટકાઈ ગયું. આ બંને મિશનની નિષ્ફળતાઓથી બોધપાઠ લઈને ભારતે 2023માં ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. 14 જુલાઈ 2023ના રોજ આ યાન લોન્ચ થશે.