શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરનારા લોકોને મોંઘવારી માર સહન કરવી પડી રહી છે. મે મહિનામાં શાકાહારી થાળીની સરેરાશ ખર્ચ ૯ ટકા વધી ગઇ છે.જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ડુંગળી ટામેટા અને બટાકાની કિંમતોમાં તેજીને કારણ જણાવવામાં આવ્યું છે. ક્રિસિલ માર્કેટ ઇંટેલિજેન્સ એન્ડ એનાલિસિસની માસિક ’રોટી ભાત દર’ રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવાની વાત કહી. જોકે બ્રોયલર મુરધીની કિંમતમાં ઘટાડાથી માંસાહારી ભોજનના ખર્ચમાં ઘટાડો થયો છે.
રિપોર્ટ અનુસાર શાકાહારી ભોજનની કિંમત મે મહિનામાં વધીને ૨૭.૮ રૂપિયા પ્રતિ થાળી થઇ ગઇ, જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂ. ૨૫.૫ હતો. જ્યારે એક મહિના પહેલા એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત ૨૭.૪ રૂપિયા હતી. આ થાળીમાં મુખ્યત્વે રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટેટા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે.
તેનાથી ઉલટું મે મહિનામાં માંસાહારી થાળીની કિંમત ઘટીને રૂ. ૫૫.૯ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. ૫૯.૯ હતી. આ એપ્રિલ ૨૦૨૪માં પ્લેટ દીઠ ૫૬.૩ રૂપિયાની કિંમત કરતાં ઓછી છે. માંસાહારી થાળીમાં અન્ય તમામ સામગ્રી સમાન હોય છે, પરંતુ દાળને બદલે ચિકન મીટ હોય છે.
રિપોર્ટ અનુસાર શાકાહારી થાળીની કિંમતમાં કુલ વધારાનું કારણ ટામેટાના ભાવમાં ૩૯ ટકા, બટકાના ભાવમાં ૪૧ ટકા અને ડુંગળીના ભાવમાં ૪૩ ટકાનો વધારો થયો છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ’રવિ પાકના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘટાડાના કારણે ડુંગળી આવક ઘટી તથા પશ્ર્વિમ બંગાળમાં પાક ખરાબ થતાં બટાકાની આવક ઘટતાં આ શાકભાજીઓના ભાવમાં વધારો થયો. આ ઉપરાંત ચોખા અને દાળના ભાવમાં પણ ક્રમશ: ૧૩ ટકા અને ૨૧ ટકાનો વધારો થયો છે. જોકે જીરું, મરચું અને વનસ્પતિ તેલના ભાવમાં ૩૭ ટકા, ૨૫ ટકા અને આઠા ટકાનો વધારો થતાં શાકાહારી થાળીના ખર્ચમાં વધુ વધારો જોવા મળ્યો નથી.