મોંઘાદાટ મોબાઈલ અને એસેસરીઝ બારોબાર વેચીને બ્રાન્ચ મેનેજરે લાખો રુપિયાની ઠગાઇ કરી

હિંમતનગર શહેરમાં આવેલ એક જાણીતા મોબાઈલ અને એસેસરીઝના શો રુમના મેનેજરે લાખો રુપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. મેનેજર દ્વારા મોબાઈલ અને એસેસરીઝને બારોબાર વેચી દઈને તેના નાણાં પોતાની પાસે જ રાખી લઈને વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

હિંમતનગર શહેરમાં એક મોબાઈલના જાણીતા શો રુમના મેનેજરે છેતરપિંડી આચર્યાની ફરીયાદ નોંધાઈ છે. હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શો રુમના મેનેજરે મોબાઈલ અને એસેસરીઝને બારોબાર જ વેચી દીધી છે.

ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને હવે મેનેજરની શોધખોળ શરુ કરી છે. મેનેજર અરવલ્લી જિલ્લાના વાસણી ગામનો છે અને હાલમાં હિંમતનગરમાં રહે છે. પોલીસે હવે આરોપી મેનેજરની ધરપકડ કરવા માટે તજવીજ શરુ કરી છે.

શહેરના દુર્ગા બજાર વિસ્તારમાં આવેલ કબીર વર્લ્ડ મોબાઈલ શો રુમના બ્રાન્ચ મેનેજર દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી છે. બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સતીષ રમણભાઈ પટેલે છેતરપિંડી આચર્યાનો ગુનો હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામા આવ્યો છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના અને હાલમાં હિંમતનગર શહેરના રવિ પાર્કમાં રહેતા સતિષ પટેલે ગત જૂન અને જુલાઈ માસના એકાદ મહિનાના ગાળામાં છેતરપિંડી આચરી હતી.

કબીર વર્લ્ડ મોબાઈલ શો રુમના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સતીષ પટેલને કબીર ટેક્નોલોજી પ્રાઇવેટ લીમીટેડ દ્વારા મોબાઈલ સહિત એસેસરીઝને વેચાણ કરવા માટે સ્ટોક તરીકે પુરુ પાડવામાં આવતુ હતુ. જે સ્ટોક પૈકી ગત 2, જૂન 2023 થી 5, જુલાઈ 2023 દરમિયાન કેટલાક મોબાઈલ અને એસેસરીઝ વેચાણ કર્યા બાદ પણ તેની થયેલ આવકની રકમને બ્રાન્ચ ખાતે જમા કરવામાં આવી નથી.

આમ મોબાઈલ અને તેની એસેસરીઝનું વેચાણ કર્યા બાદ તેની આવકની રકમને બારોબાર જ પોતાના અંગત કામકાજમાં ખર્ચ દીધા હતા. ફરિયાદ મુજબ 13 લાખ 65 હજાર કરતા વધારે રકમને જમા નહીં કરીને કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. આમ આ મામલે હવે પોલીસે ગુનો નોંધીને આરોપી સતીષ પટેલની શોધખોળ શરુ કરી છે.