પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ૨ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ૨૩ જુલાઈના રોજ ઈડીએ એલ્વિશને પૂછપરછ માટે લખનૌ બોલાવ્યો હતો, જ્યાં તેની ૯ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન યુટ્યુબરને ઘણા પ્રકારના પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા અને એલ્વિશ વસ્તુઓને ટ્વિસ્ટ કરતી વખતે જવાબો આપતા જોવા મળ્યા હતા.
આ પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થયા છે. ઈડીએ એલ્વિશના અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્ર્નો પણ પૂછ્યા હતા. તેની મોંઘી કાર, વિદેશ પ્રવાસ અને યુટ્યુબથી તેની આવક અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી.
જ્યારે ઈડી અધિકારીઓએ યુટ્યુબરને સાપના સપ્લાય અંગે પૂછપરછ કરવાનું શરૂ કર્યું, ત્યારે એલ્વિશ પોતાને નિર્દોષ જાહેર કરતો જોવા મળ્યો. વધુમાં જ્યારે તેઓએ તેની સામે તેના બેંક ખાતાના દસ્તાવેજો અને આવકવેરાની વિગતો મૂકીને તેની વૈભવી જીવનશૈલી, મોંઘી કાર અને વિદેશ પ્રવાસો વિશે પૂછવાનું શરૂ કર્યું, ત્યારે તે ગોળ ગોળ જવાબો આપતો જોવા મળ્યો.
ઈડીના પ્રશ્ર્નો અહીં પૂરા થતા નથી. ફઝિલપુરિયાના ગીત ’૩૨ બોર’માં એલ્વિશ યાદવે ગળામાં સાપ બાંધવાનો અભિનય કર્યો છે. આ મામલે પણ તેમને અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા. જો કે ૯ કલાકની પૂછપરછ બાદ પણ એલ્વિશ યાદવે ગીતમાં ઉપયોગ કરાયેલા સાપ ક્યાંથી લાવવામાં આવ્યા તેનો જવાબ આપ્યો ન હતો. આ કેસમાં પણ ઈડીને એલ્વિશ સાપ પૂરા પાડતો હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.
એલ્વિશે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે માત્ર મનોરંજન માટે ગળામાં સાપ બાંધીને ફરતો હતો. તેને સાપની દાણચોરી સાથે કોઈ લેવાદેવા નથી. ઈડીના અધિકારીઓ એલ્વિશની પ્રોપર્ટી અને યુટ્યુબથી થતી કમાણી અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પૂછપરછ કર્યા પછી બહાર આવેલા એલ્વિશ યાદવે કોઈપણ પ્રશ્ર્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. નોટિસ મળ્યા બાદ એલ્વિશે ૮ જુલાઈના રોજ ઈડી પાસેથી થોડો સમય માંગ્યો હતો. કારણ કે તે વિદેશમાં હતો, ત્યારબાદ તેને ૨૩ જુલાઈએ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.