મની લોન્ડરિંગ પ્રકરણે સચિન વાઝેની જામીન અરજી પર કોર્ટ ૧૮ નવેમ્બરે સુનાવણી કરશે

મુંબઈ,

મની લોન્ડરિંગ પ્રકરણે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન પરની સુનાવણી પૂર્ણ થઈ છે. આ પ્રકરણનો ચુકાદો હવે ૧૮ નવેમ્બરના રોજ થશે. વાઝે પર ઈડીએ દાખલ કરેલા ગુનામાં આ અરજી કરવામાં આવી છે.

સેશન્સ કોર્ટની વિશેષ પીએમએલએ કોર્ટમાં સચિન વાઝેના વકિલે દલીલો કરી હતી. જામીન અપાશે તો તે પુરાવા અને સાક્ષીદાર સાથે ચેડાં કરશે અને પ્રભાવિત કરશે એવી દલીલ કરીને ઈડીએ અરજીનો વિરોધ નોઁધાવ્યો હતો. વાઝે પુરાવા સાથે ચેડાં અથવા તેને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે નહીં એવી ખાતરી વકિલે કોર્ટને આપી હતી.

માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સહિત અન્ય આરોપીઓ સામે પોતાની પાસેની માહિતી આપવાની તૈયારી દાખવતાં વાઝેને ભ્રષ્ટાચાર પ્રકરણમાં માફીનો સાક્ષીદાર કરવામાં આવ્યો છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરીને ધમકીનો પત્ર મૂકવા તેમ જ ગાડીના માલિક મનસુખ હિરેણની હત્યાના કેસમાં વાઝે અને સહકારી રિયાઝ કાઢી તથા ઈન્સ્પેક્ટ સુનીલ માનેની ધરપકડ કરાઈ હતી. બીજી તરફ વાઝે અને અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગ પ્રકરણે ગુનો નોંધાયો હતો. સીબીઆઈએ ભ્રષ્ટાચાર પ્રકરણે વાઝે, દેશમુખ તથા અન્યની ધરપકડ કરી હતી.

દરમિયાન સીબીઆઈએ દાખલ કરેલા માજી ગૃહ પ્રધાનવ અનિલ દેશમુખ અને તેમના અંગત સચિવ કુંદન શિંદે અને ંસજીવ પલાડેની અદાલતી કસ્ટડી ૨૮ નવેમ્બર સુધી એટલે કે ૧૪ દિવસ માટે લંબાવાવામાં આવી છે. સિંદે સામે સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર પ્રબાવ પાડવાનો અને શહેરના બાર માલિકો પાસેથી ખંડણી પડાવવાનો આરોપ છે.