મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન નકાર્યા બાદ નવાબ મલિક બોમ્બે હાઈકોર્ટને શરણે

મુંબઇ,

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિકે તેમની જામીન અરજી ફગાવી દેવાના ૩૦ નવેમ્બરના સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.

વકીલ તારક સૈયદ અને કુશલ મોર દ્વારા સોમવારે સવારે જસ્ટિસ મકરંદ એસ કણકની સિંગલ જજની બેંચ સમક્ષ મલિકની અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧૩ ડિસેમ્બર, મંગળવારના રોજ સુનાવણી માટે મુકી છે. મલિકની ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કુર્લામાં ગોવાલા કમ્પાઉન્ડ નામની મિલક્ત પર નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલી હતી.

મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી રહેલા મલિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેઓ મે મહિનાથી ખાનગી હોસ્પિટલમાં છે. મલિકને અનેક બિમારીઓ છે અને તેમના મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે તેમની ડાબી કિડની ‘માત્ર કામ કરી રહી છે’, એમ તેમના વકીલોએ રજૂઆત કરી હતી.