મની લોન્ડરિંગ કેસમાં ઈડીની કાર્યવાહી: બરતરફ આઇએએસ પૂજા સિંઘલની ૮૨.૭૭ કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

રાંચી,

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમએ મનરેગા કૌભાંડ, ગેરકાયદે માઇનિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આઇએએસ પૂજા સિંઘલની ૮૨.૭૭ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ ટાંચમાં લઇ લીધી છે. ઇડીની ટીમે રાંચી સ્થિત પલ્સ હોસ્પિટલ સહિત અન્ય અનેક અચલ સંપત્તિ જપ્ત કરી લીધી છે.

ઇડીએ જણાવ્યું હતું કે, બરતરફ કરાયેલા આઇએએસ અધિકારી પૂજા સિંઘલની જપ્ત અચલ સંપત્તિનું બજાર મૂલ્ય લગભગ ૮૨.૭૭ કરોડ છે. તેમાં એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પલ્સ સુપર સ્પેશિયાલિટી), એક ડાયગનોસ્ટિક સેન્ટર (પલ્સ ડાયગ્નોસ્ટિક એન્ડ ઇમેજિંગ સેન્ટર) અને રાંચીમાં જમીનના બે પ્લોટ સામેલ છે. ૧૮.૦૬ કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ એ સમયે થયું છે જ્યારે પૂજા સિંઘલ ખૂંટી જિલ્લામાં ડેપ્યુટી કમિશનર હતાં. તે વિભિન્ન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે રકમ મેળવનાર પ્રમુખ અધિકારી હતાં. ઇડીએ પાંચ મેના રોજ પૂજા સિંઘલના અનેક વિસ્તારોમાં દરોડા પાડયા હતાં. આ દરમિયાન ઇડીએ મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઇડીએ પૂજા સિંઘલની પૂછપરછ કરી હતી અને સિંઘલની ધરપકડ કરી લીધી હતી. ઇડીએ પૂજાના પતિ અભિષેક કુમાર ઝા, ચાર્ટડ એકાઉન્ટન્ટ સુમન કુમાર સિંહ ઉપરાંત ખૂંટી જિલ્લાના એન્જિનિયરો અને અધિકારીઓ રામ વિનોદ સિંહા, જય કિશોર ચૌધરી, શશિ પ્રકાશ અને રાજેન્દ્ર કુમાર જૈનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીની પૂછપરછમાં પૂજા સિંઘલના સહયોગી અને સીએ સુમન સિંહે સ્વીકાર કર્યો હતો કે તેણે અનેક વખત પલ્સ હોસ્પિટલ માટે અનેક નકલી બિલ બનાવીને આપ્યા હતાં.