
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. તેણે સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીનની માંગણી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં દિલ્હીમાં સીસીટીવી લગાવવાના હતા, તે સરકારનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો. હવે તેમાં નવો વળાંક આવ્યો છે.પીડબ્લ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈન પર કેન્દ્ર સરકારની એક કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ છે. દિલ્હીના લેટનન્ટ ગવર્નરે આ મામલે તપાસને મંજૂરી આપી દીધી છે.
દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવવાના હતા. આ ૫૭૧ કરોડનો પ્રોજેક્ટ હતો. જોકે, કેમેરા લગાવવામાં વિલંબ થયો હતો, જેના કારણે ભારત ઈલેક્ટ્રોનિક કંપનીને ૧૬ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સત્યેન્દ્ર જૈન પર ૧૬ કરોડનો દંડ માફ કરવાના બદલામાં કંપની પાસેથી ૭ કરોડની લાંચ લેવાનો આરોપ છે.
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ખોટો આરોપ છે. તેમણે કહ્યું કે ભાજપ દિવસ-રાત ષડયંત્ર રચે છે. ૧૦ વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર ૨૦૦ થી વધુ કેસ દાખલ થયા, આજ સુધી ભ્રષ્ટાચારનો એક રૂપિયો પણ વસૂલવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ એક નકલી કેસ છે, ભાજપ દિલ્હી સરકારને રોકવા માંગે છે.