મની લોન્ડરિંગ કેસમાં આપ નેતાઓ પર ઈડીના દરોડાથી આતિશી નારાજ

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને ચૂપ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હજુ સુધી દરોડામાં એક રૂપિયો પણ મળ્યો નથી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી આતિશીએ કહ્યું કે આપ નેતાઓ અને આપ સાથે જોડાયેલા લોકો પર ઈડીના દરોડા ચાલી રહ્યા છે.આપના ખજાનચી અને સાંસદ એનડી ગુપ્તા, અરવિંદ કેજરીવાલના પીએ અને અન્યના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભાજપ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

આતિશીએ વધુમાં કહ્યું કે છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીના નેતાઓને દારૂ કૌભાંડ કેસના નામે ધમકીઓ આપવામાં આવી રહી છે. કેટલાક લોકોના ઘરો પર દરોડા પાડે છે. કેટલાકને સમન્સ જારી કરવામાં આવી રહ્યા છે. કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં હજારો દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી ઈડીની ટીમે એક રૂપિયો પણ વસૂલ કર્યો નથી. આગામી બે વર્ષમાં પણ ઈડીને કંઈ મળવાનું નથી. કોર્ટે ઈડીને પુરાવા રજૂ કરવા કહ્યું છે.