મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે, જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ ચાલી રહી છે
- જૂનાગઢના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની ધરપકડ
- મૌલાનાની પૂછપરછમાં ગુજરાત ATS એ કર્યો ખુલાસો
- મૌલાના વિરુદ્ધ 5 ગુના નોંધાયા હોવાનું આવ્યું સામે
જૂનાગઢમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મુંબઇથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત એ.ટી.એસ મુંબઇથી મૌલાનાને અમદાવાદ લાવાંમાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં મૌલાના આવ્યો હતો. 14મી ફેબ્રુઆરીએ મૌલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. મૌલાનાએ જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હતું.
મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે. જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ કરાઈ છે. અત્રે જણાવીએ કે, મૌલાના મૂળ કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે. મૌલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો. મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે કે, મૌલાનાના ટ્રસ્ટના રૂપિયાનો ઉપયોગ શું થતો હતો જેને લઈને તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે જેને લઈને ગુજરાત ATS ની તપાસ તેજ કરી છે.
મુંબઈમાં ધરપકડ સમયે પોલીસ કાર્યવાહીમાં વિરોધ બદલ 4 શખ્સોની અટકાયત કરાઈ છે. સમગ્ર કેસને લઇને જૂનાગઢના પોલીસ વડા હર્ષદ મહેતાએ નિવેદન આપી જણાવ્યું કે, વ્યસનમુક્તિ માટે મંજૂરી માગવામાં આવી હતી. જેમાં મુસ્લિમ ધર્મના વક્તા મૌલાના મુફ્તિએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. જેન લઇને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર કેસને લઇને મુંબઇ પોલીસ અને ગુજરાત એ.ટી.એસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સિસ્ટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જૂનાગઢના પોલીસ વડાએ આ સાથે મૌલાનાની ધરપકડને લઇને કોઇ વિવાદ ઉભો ન કરવા જણાવ્યું. સોશિયલ મીડિયામાં પણ કોઇ વિવાદાસ્પદ ટીપ્પણી કરી સામાજીક માહોલ ડહોળશેતો તેની સામે કાર્યવાહી કરાશે તેવી પોલીસ વડાએ ચિમકી ઉચ્ચારી છે.