ઢાકા, ચક્રવાત મોકા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેના કારણે મ્યાંમારના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બીબીસી અનુસાર અહીં ૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જે ૨૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બાંગ્લાદેશના હવામાન વિભાગે કહ્યું- મોકા છેલ્લા ૨ દાયકામાં દેશમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી તોફાન બની શકે છે.
જેના કારણે દેશનો કોરલ આઇલેન્ડ સેન્ટ માટન ડૂબી જવાનું જોખમ છે. હાલમાં, એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. મોકા શનિવારે રાત્રે મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું. તેનાથી વિશ્ર્વના સૌથી મોટા શરણાર્થી શિબિરને પણ અસર થઈ શકે છે.
વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન અનુસાર જો ચક્રવાતને કારણે પૂર કે ભૂસ્ખલન થાય છે તો તે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર સ્થિત રોહિંગ્યા શરણાર્થી શિબિરને નષ્ટ કરી શકે છે. આ શરણાર્થી શિબિરમાં લગભગ ૮ લાખ ૮૦ હજાર રોહિંગ્યા રહે છે. ૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું કે ચક્રવાતી તોફાન છેલ્લા ૬ કલાકમાં ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. આ વાવાઝોડું ૧૪ મેના રોજ બપોરે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાંમારના ક્યુકપ્યુને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ ૧૫૦-૧૬૦ કિમી પ્રતિ કલાકથી ૧૭૫ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. મોકા વાવાઝોડાને કારણે ખરાબ હવામાનને કારણે કોલકાતાથી પોર્ટ બ્લેર જતી વિસ્તારાની લાઈટને યુ-ટર્ન લેવો પડ્યો હતો. આ લાઇટ કોલકાતા એરપોર્ટથી સવારે ૯:૦૫ કલાકે પોર્ટ બ્લેર માટે ઉડાન ભરી હતી. તેને ૧૧:૪૦ વાગ્યે પોર્ટ બ્લેયર પર ઉતરવાનું હતું, પરંતુ મોકા વાવાઝોડાને કારણે હવામાન ખરાબ થઈ ગયું. જેના કારણે તેને કોલકાતા પરત ફરવું પડ્યું હતું.
ડબ્લ્યુએચઓએ કહ્યું કે તે શરણાર્થી શિબિરોમાં ૩૩ મોબાઈલ મેડિકલ ટીમ, ૪૦ એમ્બ્યુલન્સ તેમજ ઈમરજન્સી સર્જરી અને કોલેરા કીટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે જ સમયે, મ્યાંમારના રખાઈન રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓ તેમના ઘર છોડીને શુક્રવારે રાજધાની સિત્તવે આવ્યા હતા. આ સિવાય લગભગ ૧ હજાર લોકો એક મઠમાં આશરો લેવાની તૈયારી કરી રહ્યા છે આઇએમડીનું કહેવું છે કે વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી ગયું છે. હાલમાં અંદમાન-નિકોબાર, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખતરાને જોતા બંગાળના દિઘામાં એનડીઆરએફની ૮ ટીમો અને ૨૦૦ બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ૧૦૦ બચાવર્ક્તાઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. અપડેટ શેર કરતા,આઇએમડી વરિષ્ઠ વૈજ્ઞાનિક સંજીવ દ્વિવેદીએ કહ્યું કે ચક્રવાતી તોફાન ફરીથી હળવેથી વધશે. તે ૧૩ મેના રોજ તેની ટોચ પર હશે. જો કે તંત્ર દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગે માછીમારો અને જહાજોને મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. પહેલાથી જ ત્યાં જહાજોને કિનારે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. મોકાના કારણે શનિવારે ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વળશે. આ વાવાઝોડું બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાંમારના સિત્તવે શહેર વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન ૧૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ તોફાનનું નામ યમન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મોકા અથવા મુખા, લાલ સમુદ્રની સરહદે આવેલા યમનના દરિયાકાંઠાના શહેરે, મોકા કોફીને ૫૦૦ વર્ષ પહેલાં વિશ્ર્વમાં રજૂ કરી હતી. આ શહેરના નામ પરથી તોફાનનું નામ મોકા રાખવામાં આવ્યું છે.