મોઈન અલીએ ફરીથી ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, જો સ્ટોક્સ હવે મને મેસેજ કરશે તો ડિલીટ કરી દઈશ

વિશ્વમાં આપણે એવા ઘણા ક્રિકેટરો જોયા છે જેમણે એક વાર સંન્યાસ લઈ લીધા બાદ ફરી ક્રિકેટમાં વાપસી કરી હોય. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી આ લિસ્ટમાં નવો ઉમેદવાર છે. પણ હવે ફરી તેણે બીજીવાર નિવૃતિની જાહેરાત કરી છે.અંતિમ એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 49 રનથી હરાવીને જીત મેળવી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ સોમવારે ફરી ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી છે.

મોઈન અલીએ કહ્યું કે તે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ પહેલા મોઈન અલીએ 2021માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ ત્યારબાદ 2023ની એશિઝમાં પુનરાગમન કર્યું હતું.

મોઈન અલી ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના કહેવા પર પરત ફર્યો હતો. મોઈન અલીએ જણાવ્યું કે જો સ્ટોક્સ તેને ફરીથી મેસેજ કરશે તો તે પરત નહીં ફરે. જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડના બે ક્રિકેટરોએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. મોઈન અલી પહેલા ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

મોઈન અલીએ એશિઝ 2023માં 4 મેચમાં 9 વિકેટ લીધી હતી. અંતિમ ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગમાં તેણે ઈંગ્લેન્ડ માટે મહત્વના 3 વિકેટ લઈને ટીમને જીત અપાવી. 4 મેચમાં મોઈન અલીએ 180 રન બનાવ્યા, જેમાં એક ફિફટી પણ સામેલ છે.

મોઈન અલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 68 મેચ રમી છે જેમાં તેણે 3094 રન બનાવ્યા છે. આ દરમિયાને તેણે 5 સેન્ચુરી અને 15 ફિફટી પણ ફટકારી હતી. ટેસ્ટ કરિયરમાં તેણે 204 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ તે ટી20 અને વનડે રમતો રહેશે.