અમદાવાદ,
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બદલવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. ઠેર ઠેર મોહનથાળને બદલી ચીકી કરવાના નિર્ણયને જાકારો મળી રહ્યો છે. ત્યારે આ મામલે હવે વિશ્ર્વ હિન્દુ પરિષદે ઝૂકાવ્યું છે. એક તરફ મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ કરાતા ભક્તો રોષે ભરાયા છે. તો બીજી તરફ, ફરી મોહનથાળ કરવા ઉગ્ર માંગણી થઈ રહી છે. આવામાં વિશ્ર્વિ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. પ્રસાદ બંધ કરવાના મામલે વિહીપના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ઠેર ઠેર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં મોહનથાળ પ્રસાદ વહેંચવાના વિહીપ દ્વારા જાહેરાત કરાઈ છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો, ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહ્વાન કરાયું છે. તો આ સાથે જ અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કાલી પટ્ટી સાથે વિરોધ કર્યો. અંબાજી સર્કલ પર હિત રક્ષા સમિતિ દ્વારા કાળી પટ્ટી પહેરી મૌન રહીને વિરોધ કર્યો હતો. સમિતિના આગેવાનોએ જણાવ્યું કે, મૌન રહીને અમારો અવાજ દબાવાય છે તેવો સંદેશ પાઠવ્યો છે. ઠેર ઠેર ચીક્કી નાબૂદ કરવા માટે ના પોસ્ટર પણ લગાડ્યા છે. ચીકીનો વિરોધ અને મોહનથાળની માંગનાં બેનર પ્રદર્શન કર્યા.
અંબાજી પ્રસાદમાં મોહનથાળ પુન: શરૂ કરવા બુલંદ માંગ ઉઠી છે. આ મામલે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે મુખ્યમંત્રી અને વિધાનસભા અયક્ષને પત્ર લખ્યો છે. તેઓએ અંબાજી મંદિરની મોહનથાળની પરંપરા અંગે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેઓએ પત્રમાં લખ્યું કે, ૧૯૭૧ થી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ અપાય છે. ચીકીને પ્રસાદ સ્વરૂપે આપવા અંગે તંત્રના તમામ બહાના તર્ક વિહોણા છે. શિરડી, તિરૂપતિ, ડાકોર સહિતના મંદિરોમાં વર્ષોથી એક જ પ્રસાદ અપાય છે. ટેકનોલોજીના સમયગાળામાં ચીકી પ્રસાર આપવા માટેના કારણો ગળે ઉતરે એવા નથી. ભવિષ્યમાં પ્રસાદની ચીકી બનાસ ડેરી સપ્લાય કરશે એવો લોકોનો તર્ક છે. અંબાજી પ્રસાદ મામલે સરકાર ખુલાસો કરે એવી માંગ જયનારાયણ વ્યાસે કરી છે. તેઓએ બનાસ ડેરી અને શંકર ચૈધારી સ્પષ્ટતા કરે એવી પણ માંગ કરી.
અંબાજી પ્રસાદ વિવાદ અંગે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું કે, મૂળ પ્રશ્ર્ન આસ્થા સાથે સંકળાયેલ છે. ૧૯૭૧ માં શિરાને બદલે મોહનથાળ શરૂ કરાયો હતો. મોટાભાગના મોટા મંદિરના પ્રસાદમાં ચણાનો લોટ રહેલો છે. ચીકીનો પ્રસાદ ક્યાંય પણ આપવામાં નથી આવતો. ગંગાજળ અશુદ્ધ હોય તો તમે એક્વાગાર્ડનું પાણી ના આપી શકો. સત્યનારાયણ કથાના મહાપ્રસાદને ઉપવાસ કર્યો હોય તો પણ આરોગી શકાય છે. મોહનથાળથી ઉપવાસ તૂટે એ વાત ગળે ઉતરે એવી નથી. નિર્ણયની પ્રક્રિયામાં કંઈક કાચું કપાયું છે. દૂધ સાગર ડેરીની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ રહી છે. સ્ટેક હોલ્ડર માઈ ભક્તોને પૂછ્યા વગર નિર્ણય ના લઈ શકાય. આ વહીવટી નિર્ણય નથી કે જે અધિકારી મનફાવે એમ લઈ લે. ભક્તોની આસ્થા અને મંદિર સાથે સંકળાયેલ છે. ગાંધીનગરથી કલેક્ટરને સૂચના મળે અને પ્રસાદ બદલાઈ જાય એ અયોગ્ય છે. કાલે ઉઠીને પૂજા પદ્ધતિ બદલી નાંખશો તો ? જે તે મંદિર માં પોતાની પૂજા-પ્રસાદની પ્રણાલીઓ રહેલી છે. સરકારની દલીલોમાં દમ નથી એના કારણે મોહનથાળ પુન: શરૂ કરવો જોઈએ.