મોહન ભાગવતે ધર્માંતરણના મુદ્દા પર ઇશારા ઇશારામાં નિવેદન

  • આપણાં ભોળપણનો લાભ લઇને છેતરનારા લોકોથી સાવધાન રહેવાનું છે. છેતરનારા ઘણા લોકો છે.

જશપુર,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ધર્માંતરણના મુદ્દા પર ઇશારા ઇશારામાં નિવેદન આપ્યું છે. છત્તીસગઢના પ્રવાસ પર પહોંચેલા મોહન ભાગવતે ધર્માંતરણના મુદ્દા પર ઇશારાઓ-ઇશારાઓમાં કહ્યું કે, આપણાં ભોળપણનો લાભ લઇને છેતરનારા લોકોથી સાવધાન રહેવાનું છે. છેતરનારા ઘણા લોકો છે. મોહન ભાગવતે ધર્માંતરણ શબ્દનો ઉપયોગ કર્યા વિના કહ્યું કે, હવે આપણે જાગવાનું છે.

પોતાના દેશ, ધર્મ માટે પાક્કું રહેવાનું છે. આપણે પોતાના સંસ્કારો અને દેવી-દેવતાઓને ભૂલવાના નથી. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે જનજાતિઓના ગૌરવને ભારતનું ગૌરવ બતાવ્યું અને એ વાત પર ભાર આપ્યો કે દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે લોકોએ જનજાતિઓને સમજવા જોઇએ અને તેમની સાથે ઊભા રહેવું જોઇએ. મોહન ભાગવતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ શાસનમાં ધર્માંતરણની ઘટનાઓમાં વધારો થયો છે.

છત્તીસગઢના જશપુર જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ના અવસર પર એક સમારોહને સંબોધિત કરતા મોહન ભાગવતે જનજાતિઓને એ લોકો વિરુદ્ધ તાક્તવર રહેવાનું આહ્વાન કર્યું જે તેમના ભોળપણનો ફાયદો ઉઠાવીને છેતરવાનો પ્રયત્ન કરે છે. વનવાસી કલ્યાણ આશ્રમ તરફથી અહીં રંજીતા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો સામેલ થયા હતા.

આ અવસર પર આપએસએસ પ્રમુખ મોહન ભાગવતે ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય દીલિપ સિંહ ભૂદેવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. દીલિપ સિંહ ભૂદેવે જશપુર ક્ષેત્રમાં જનજાતિઓને ઇસાઇ ધર્મથી પાછા લાવવા માટે ‘ઘર વાપસી’ અભિયાન ચલાવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં દીલિપ સિંહ ભૂદેવનું નિધન થઇ ગયું હતું. મોહન ભાગવતે કહ્યું કે, ભગવાન બિરસા મુંડા’ને પણ આ પ્રેમે આપણાં બધા લોકો માટે સંઘર્ષ કરવા માટે પ્રેરિત કર્યા.

તેમણે કહ્યું કે, જનજાતિય ગૌરવ શું છે? પછી કહ્યું કે આપણાં પૂર્વજોની પરંપરા આપણું ગૌરવ છે કેમ કે તે આપણને બતાવે છે કે આપણે કઇ રીતે જીવવાનું છે. તેઓ આપણને વીરતા, પવિત્રતા અને આત્મીયતાનો એક વારસો આપે છે. જીવનના સંઘર્ષમાં આપણે લડી શકીએ, એવી હિંમત આપે છે. જંગલોમાં રહેનારા અને પર્યાવરણને દેવી-દેવતા માનનારા આપણાં બંધુઓએ જ આપણને શીખવ્યું છે એટલે જનજાતિય ધર્મ માત્ર જનજાતિઓનો નહીં, પરંતુ સંપૂર્ણ ભારતનો છે. જનજાતિય સમાજની રક્ષા, તેમના ગૌરવની વૃદ્ધિ માટે તેમની સાથે ઊભા રહેવું જોઇએ જેમ દીલિપ સિંહ ભૂદેવજી ઊભા હતા.