ભોપાલ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મધ્યપ્રદેશની મુલાકાત બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત પણ ૩૧ માર્ચે ભોપાલ આવી રહ્યા છે. તેઓ અહીં સિંધી સમુદાયના એક મોટા સંમેલનને સંબોધિત કરશે.
આ સમારોહમાં દેશ અને દુનિયામાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ જ દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ભોપાલમાં હશે. તેઓ અહીં આયોજિત બે દિવસીય ટ્રાઇ-સવસ મિલિટરી એક્સરસાઇઝમાં ભાગ લેશે.
આ સંમેલનમાં ત્રણેય સેનાના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી ૧ એપ્રિલે ભોપાલ પહોંચશે. જો કે આ ચૂંટણી કાર્યક્રમો નથી, પરંતુ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં મધ્યપ્રદેશમાં મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે.
સંઘના વડા ડો.મોહન ભાગવતની ભોપાલ મુલાકાતને પણ મહત્વની માનવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ત્રણ પ્રકારના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. પહેલું પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતનું હશે. બીજું પ્રદર્શન સિંધી સંતો પર આધારિત હશે અને ત્રીજું પ્રદર્શન આઝાદીની ચળવળમાં સિંધી સમાજના લોક આગેવાનોના યોગદાન પર કેન્દ્રિત હશે.