
નવીદિલ્હી,ઈન્ડિય પ્રિમિયર લીગની ૩૩મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં બેંગ્લોરે રોયલ્સને ૭ રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેદાન પર ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. તેણે ટીમના જુનિયર ખેલાડી સાથે દુર્વ્યવહાર કરતો સાંભળવામાં આવ્યો હતો. આ ઘટના ૧૯મી ઓવરની છે. જ્યારે સિરાજ બોલિંગ કરી રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સને છેલ્લી ૨ ઓવરમાં ૩૦ રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ સિરાજની ૧૯મી ઓવરમાં ૧૩ રન આવ્યા હતા. મોહમ્મદ સિરાજના પાંચમા બોલ પર ધ્રુવ જુરેલ દ્વારા છગ્ગો ફટકારવામાં આવ્યો હતો. છઠ્ઠા બોલ પર, ધ્રુવ જુરેલે લોંગ ઓન તરફ શોટ માર્યો, જ્યાં મહિપાલ લોમરરે થોડો મોડો થ્રો કર્યો હતો. આ કારણે મોહમ્મદ સિરાજ રન આઉટ કરવાનું ચૂકી ગયો અને તેણે મેદાન પર જ ગુસ્સામાં મહિપાલ લોમરાર સાથે દુર્વ્યવહાર કર્યો.
જોકે, મોહમ્મદ સિરાજને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મહિપાલની બે વખત માફી માંગી હતી. જણાવી દઈએ કે મહિપાલ લોમરર ભારતનો યુવા ખેલાડી છે. તે હજુ સુધી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નથી, પરંતુ આઈપીએલમાં તેણે અત્યાર સુધી ૨૩ મેચ રમી છે. આ દરમિયાન તેણે ૩૦૮ રન બનાવ્યા છે.
મેચની વાત કરીએ તો આ મેચમાં રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૮ પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે.