નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પશ્ર્ચિમ બંગાળની સેશન્સ કોર્ટને કહ્યું છે કે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની અરજી પર એક મહિનાની અંદર સુનાવણી કરીને તેનો ઉકેલ લાવવાનો રહેશે. સુપ્રીમે એવી સ્પષ્ટતા પણ કરી કે જો આમ શક્ય ન બને તો સેશન્સ ન્યાયાધીશ તેમાં સંશોધન માટે સ્ટેનો કોઈ પણ આદેશ પસાર કરી શકે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી.એસ.નરસિમ્હા તેમજ ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે હસીન જહાંના મામલે પાછલા ચાર વર્ષથી સુનાવણી થઈ જ નથી. અદાલતે કહ્યું કે એડિશનલ જજ-અલીપુરે ૨૯ ઑગસ્ટ-૨૦૧૯ના ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. આ આદેશને શમીને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો જેણે નવ સપ્ટેમ્બર-૨૦૧૯ના ધરપકડ વોરંટ અને સુનાવણી પણ રોક લગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી નથી થઈ અને કેસ પર રોક પાછલા ચાર વર્ષથી લાગેલી છે એટલા માટે એક મહિનાની અંદર આ કેસનો નિકાલ લાવવો જરૂરી બની જાય છે.શમીની પત્ની હસીન જહાંએ કોલકત્તા હાઈકોર્ટના ૨૮ માર્ચ ૨૦૨૩ના આદેશને પડકાર્યો છે જેમાં સેશન્સ કોર્ટના આદેશને રદ્દ કરવાની તેની અરજી ફગાવી દેવાઈ હતી. હવે હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમી તેની પાસે દહેજની માંગ કરી રહ્યો હતો.