ઇસ્લામાબાદ, પાકિસ્તાન ક્રિકેટમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ક્યારેક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બદલાય છે તો ક્યારેક ટીમના મુખ્ય પસંદગીકાર. હવે પાકિસ્તાનથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટને ટૂંક સમયમાં નવો ચીફ સિલેક્ટર મળવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જવાબદારી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝને આપવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ સૌથી આગળ છે. શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી બાદ જ હાફીઝને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના નવા અધ્યક્ષ ઝકા અશરફ મોહમ્મદ હફીઝને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવા માંગે છે. જણાવી દઈએ કે આ પોસ્ટ જૂનથી ખાલી છે.
આ પહેલા શાહિદ આફ્રિદીએ થોડા દિવસો માટે આ જવાબદારી સંભાળી હતી. શાહિદ આફ્રિદીને ટીમના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે કેટલાક મોટા નિર્ણયો પણ લીધા હતા, જેના કારણે વિશ્ર્વભરમાં તેની પ્રશંસા થઈ હતી.
જણાવી દઈએ કે પૂર્વ દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન રાશિદ લતીફ પણ પાકિસ્તાનના નવા મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં સામેલ છે. સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે ઝાકા પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ અને હાફીઝને મળ્યા અને તેમની સાથે મુખ્ય પસંદગીકાર બનવાની વાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાશિદે મુખ્ય પસંદગીકાર બનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જ્યારે હાફિઝે આ પદ માટે પોતાની ઉપલબ્ધતા દર્શાવી હતી.
મોહમ્મદ હફીઝે પાકિસ્તાન માટે ૫૫ ટેસ્ટ, ૨૧૮ વનડે અને ૧૧૯ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેના ૩૬૫૨ રન અને ૫૩ વિકેટ છે. આ સાથે જ હાફીઝે વનડેમાં ૬૬૧૪ રન અને ૧૩૯ વિકેટ ઝડપી છે. આ સિવાય હાફિઝના નામે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૨૫૧૪ રન અને ૬૧ વિકેટ છે.