
ભારતમાં ફુગાવો સતત વધી રહ્યો છે. વધતા ફુગાવા પાછળ ખાદ્ય પદાર્થો, ક્રૂડના ભાવમાં વધારો અને રૂપિયો નબળો પડવા સહિતના કારણો જવાબદાર છે.
ભારતનો રિટેલ ફુગાવો 6.47 ટકાથી વધીને ઓગસ્ટમાં વધીને 7 ટકા થયો હતો. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે આવું થયું હતું. આ વર્ષની શરૂઆતમાં ક્રૂડનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગયો હતો. જોકે, સપ્ટેમ્બરમાં ભાવ ઘટીને 85 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે આવી ગયું હતું. પરંતુ હવે ઓપેક+એ ક્રૂડ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લેતા ક્રૂડમાં ફરી વધારો થઈ શકે છે.ભારત 85 ટકાથી વધુ ક્રૂડ આયાત કરતું હોવાથી ક્રૂડના વધતા ભાવ ભારતમાં મોંઘવારી પર સીધી અસર કરે છે. અધૂરામાં પૂરું નબળા રૂપિયાએ ભારતમાં ફુગાવાને વેગ આપ્યો છે. મોંઘવારીને કાબુમાં લેવા માટે આરબીઆઈ રેપો રેટમાં સતત વધારો કરી રહી છે.આ સાથે વિશ્વભરમાં મોનેટરી પોલિસી કડક થવાને કારણે અને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ થયો છે, જેના પરિણામે ભાવવધારો થઈ રહ્યો છે.