મોદીએ કાર્યભાર સંભાળતા જ પીએમ ક્સિાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઈલ પર સહી કરી

  • દેશના ૯.૩ કરોડ ખેડૂતોને ફાયદો થશે.

પીએમ મોદીએ સોમવારે ઔપચારિક રીતે પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળતા જ તેમણે પીએમ ક્સિાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ ક્સિાન નિધિ સન્માન યોજનાના ૧૭મા હપ્તાની ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેનાથી દેશના ૯.૩ કરોડ ખેડૂતોને ફાયદો થશે.મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમપત છે. તેથી, તે વાજબી હતું કે હસ્તાક્ષર કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.

મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. તે જ સમયે, બીજા મોટા નિર્ણય હેઠળ, આ યોજનામાં લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ ૫૦ ટકાનો વધારો થઈ શકે છે.

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા મંત્રીમંડળ સાથે શપથ લીધા હતા. મોદી સરકાર ૩.૦ માં કુલ મંત્રીઓની સંખ્યા ૭૨ છે, જેમાં ૩૦ મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ ઉપરાંત ૫ મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ૩૬ સાંસદોને રાજ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ ૩.૦ માં ઘણા એવા મંત્રીઓનો સમાવેશ થાય છે જેઓ મોદી સરકાર ૨.૦ માં મંત્રી પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં ગઈ કાલે ભવ્ય સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવેલા ૮૦૦૦ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લઈને ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સતત ત્રણ વખત વડા પ્રધાન બનવાની બરાબરી કરીને ઇતિહાસ રચ્યો હતો. પ્રધાનમંડળમાં ૩૦ કૅબિનેટ, ૩૬ રાજ્યપ્રધાન અને પાંચ રાજ્યના સ્વતંત્ર પ્રભાર પ્રધાન તરીકે ૭૨ સંસદસભ્યોએ શપથ લીધા હતા. નરેન્દ્ર મોદીની આગેવાનીની ત્રીજી સરકારમાં ૨૭ ઓબીસી સંસદસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૬ વર્ષના આંધ્ર પ્રદેશના કે. રામમોહન નાયડુ સૌથી યુવા તો ૭૮ વર્ષના બિહારના જીતનરામ માંઝી સૌથી મોટી ઉંમરના પ્રધાન છે.