- કાલોલના ભાદરોલી, કાનોડ, ભાટપુરા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ
- યોગ્ય વળતર આપવાની ખાતરી છતાં હજુ એ સહાય પુરી પડાઈ નથી
- જમીન વિહોણા બનતા ખેડુતો આર્થિક રીતે અન્યાય અનુભવી રહ્યા છે
- મોટી સંખ્યામાં ખેડૂતો જમીનનું વળતર ન મળતા ખેડુતો ની હાલત કફોડી બની
ગોધરા,
પંચમહાલના ગૌરવરૂપ ગણાતા એવા દિલ્હી-મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણ થઈ રહ્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી,કાનોડ,ભાટપુરા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. જે તે સમયે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી આપ્યાના લાંબો સમય વિતવા છતાં હજુ સુધી કોઈ નાણાંકીય સહાય પુરી ન પાડતા આવા જમીન વિહોણા બનતા ખેડુતો આર્થિક રીતે અન્યાય અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો જમીનનું વળતર ન મળતા ખેડુતો ની હાલત કફોડી બની છે.
ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત દિલ્હી – મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર માટે જમીન સંપાદન કરવામાં આવેલ છે. તે માટે ગોધરા, કાલોલ, હાલોલ સહિતના વિસ્તારોમાંથી આ માર્ગ પસાર થવાનો હોવાને લઈને કેન્દ્રીય માર્ગ વિભાગ દ્વારા જમીન પસંદગી કરવામાં આવીને નકશો મંજુર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દેશની ધરોહર ગણાતા બોમ્બે-દિલ્હીના માર્ગને આલ્ફાટન માફક રસ્તો બનાવવાની નેમ રાખી છે. કારણ કે, આ બે કેન્દ્રો વચ્ચે આર્થિક અને રાજકીય રીતે મહત્વના કેન્દ્રો છે.
આ બે કેન્દ્રો વચ્ચે જોડતા રસ્તાનું નામ ગ્રીન કોરીડોર રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપ પંચમહાલ માંથી આ રસ્તો પસાર થતો હોવાને લઈને અગાઉ સર્વે વિભાગ દ્વારા જમીન ગુમાવનાર ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ પરિવાર ઉપર્જીત ગણાતી અને પરિવારના મોભીઓ દ્વારા વંશ પરંપરાગત રીતે ભેટ ગણવામાં આવતી આ જમીનનો ઉપયોગ ખેતીલક્ષી કરવામાં આવતો હતો. અને ખેતી માંથી ઉત્પન્ન થતી પેદાશ થતી પાક માંથી પોતાનું આર્થિક જીવન ધોરણ ગુજારી રહ્યા હતા. વંશ પરંપરાગત અને આર્થિક ઉપાર્જન માટે ગણાતી આ ખેતીલક્ષી જમીન રસ્તાના નિર્માણ માટે સરકારને આપવામાં આવતાં અનેક વિરોધ વંટોળ ઉભા થયા હતા. કિંમતી જમીન ગુમાવતા અને પોતાના માથે છત્રછાયા ન હોય અને આર્થિક આવકનું કોઈ સાધન ન હોવાથી એકમાત્ર આ જમીન અગત્યની ગણીને બજાર ઉપરાંત બે ગણો ભાવ આપવાની માંગ કરવામાં આવી હતી. ખેડુતો દ્વારા સરકારની ખાતરી મુજબ ભાવ આપવાની માંગણી કરવા છતાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હતી. જેના કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખેડુતોની હાલત મહામૂલી જમીન ગુમાવતા કપરી બની હતી. કાયદાકીય લડત બાદ ચુકાદા તથા સરકારના ફેરબદલ થયેલા ચુકાદા બાદ કેન્દ્ર સરકારે ખેડુતોને માંગણી માન્ય રાખીને યોગ્ય વળતર આપવાનું જાહેર કરવામાં આવતાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
પરંતુ ત્રણ-ત્રણ વર્ષ ઉપરાંતનો લાંબો સમય વિતવા છતાં જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં કાલોલ તાલુકાના કાનોડ, ભાટપુરા, ભાદરોલી સહીત ગામોના ૧૦૦ થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. જે ખેડૂતોને વળતરની રકમ ન મળતા ખેડૂતો ની હાલત ન ઘરના ન ઘાટના જેવી બનવા પામી છે. ખેતી ઉપર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કાલોલ તાલુકામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપદાન કરવામાં આવેલી જમીનનું વળતરની નોટિસ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્યને થમાવી દેવાતા મૂળ જમીનના માલિક મુંઝવણમાં મુકાયા છે . હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને વળતર આકારણીની નોટીસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી છે. જેને લઈને પણ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાઈ રહ્યો છે. આ વિસ્તાર ના કેટલાક ખેડૂતોની જમીન જાહેરનામામાં દર્શાવ્યા કરતા વધુ જમીન અધિગ્રહણ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે.
આજીવિકા ગુમાવતા ખેડુતો જાય તો જાયે ક્યા ?
આ અનેક પ્રશ્ર્નો હાલ સર્જાતા ખેડૂતો રજુઆત કરે તો કોને કરે એવી સ્થિતિનું નિર્માણ થઈ છે. ત્યારે હાલ આ વિસ્તારના ખેડૂતો સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર પાસે જમીન વળતર ની રકમ ઝડપી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. વિકાસની ગાથા અને ચમક વચ્ચે માત્ર ખેતી પર નિર્ભર આ વિસ્તાર ના ખેડૂતોના પરિવારનું જીવન અંધકારમાં ધકેલાયું છે. આજીવિકા ગુમાવી બેઠલા ધરતીપુત્રો પોતાની અરજ લઇ ને જાય તો જાયે ક્યાં તેવી સ્થિતિમાં મુકાયા છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને ખેડૂતોને તેમની જમીનનું પુરે પૂરૂ વળતર વહેલી તકે મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
નોટીસમાં છબરડા થી ખેડુતો ચિંતીત…
કેન્દ્ર સરકારની મહત્વકાક્ષી આર્થિક કોરિડોર ગણાતી મુંબઈ-દિલ્હીના અધ્યતન માર્ગ નિર્માણ કરવા માટે જમીન પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ સર્વે વિભાગ તથા અન્ય એજન્સીઓએ પોતાની જમીનનો ભોગ આપનાર ખેડુતોની ખાતરી કરી નથી. માત્ર કોમ્પ્યુટરના કાગળ પર વહેવાર થતા ખેડુતોને અન્યાય થઈ રહ્યો છે. સર્વે બાદની અને મળવાપાત્ર વળતર અંગેની નોટીસ ઉલટસુલટ થઈ છે. સર્વે નંબર તથા મૂળ માલિકના નામ અને આંકડામાં છબરડા સર્જાઈ રહ્યા છે. જેથી સુધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગરીબ ખેડુતોને નુકશાન થવાનું ચિંતા વ્યકત થઈ રહી છે.