મોદી સરકારનો મોટો નિર્ણય, દર વર્ષે ૨૫ જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું

મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા ૨૫ જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ૨૫ જૂનને ’બંધારણીય હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાની માહિતી આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમનો સામનો કરીને લોકશાહીને પુનર્જીવિત કરી છે શું કરવું. ‘સંવિધાન હત્યા દિવસ’ લોકશાહીનું રક્ષણ કરવા અને દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિક્તા તેનું પુનરાવર્તન ન કરી શકે.

અમિત શાહે પોતાની એક્સ પોસ્ટની સાથે કેન્દ્ર સરકાર તરફથી જાહેર ગેઝેટ નોટિફિકેશનની પ્રતિ પણ પોસ્ટ કરી છે. ગેઝેટમાં ગૃહ મંત્રાલય તરફથી ૧૧ જુલાઈએ જાહેર થયેલા નોટિફિકેશનનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું કે જ્યારે ૨૫ જૂન ૧૯૭૫ના ઈમરજન્સીની જાહેરાત થઈ હતી, ત્યારબાદ તે સમયની સરકાર દ્વાવા સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો અને ભારતમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા.

અને જ્યારે ભારતના લોકોને ભારતના બંધારણ અને ભારતના લોક્તંત્ર પર દ્રઢ વિશ્વાસ છે, તેથી ભારત સરકારે ઈમરજન્સીના સમય દરમિયાન સત્તાના ઘોર દુરૂપયોગનો સામનો અને સંઘર્ષ કરનાર બધા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૨૫ દૂનને બંધારણ હત્યા દિવસ જાહેર કર્યો છે અને ભારતના લોકોને, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારથી સત્તાના ઘોર દુરૂપયોગનું સમર્થન ન કરવા માટે પુન:પ્રતિબદ્ધ કર્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગૃહમંત્રી અમિત શાહની પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું – ૨૫ જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાથી અમને યાદ અપાશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું હતું. તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે જેમણે ઇમરજન્સીના અતિરેકને કારણે ભોગ બનવું પડ્યું હતું. ઈમરજન્સી ભારતીય ઈતિહાસનો કાળો સમય હતો.

૨૫ જૂને ઈમરજન્સીની ૪૯મી વર્ષગાંઠ હતી. આના એક દિવસ પહેલાં ૨૪ જૂને ૧૮મી લોક્સભાના પ્રથમ સત્રમાં વિપક્ષી સાંસદોએ બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. વડાપ્રધાને આ અંગે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે જેમણે ઈમરજન્સી લાદી છે તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો અધિકાર નથી.પીએમ મોદીએ એકસ પર એક પછી એક ચાર પોસ્ટ કરી. તેમણે કહ્યું કે જે માનસિક્તાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી હતી તે આ પાર્ટીમાં હજુ પણ જીવંત છે. તેના જવાબમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું કે આ વખતે જનતાએ દેશને બીજી કટોકટીમાંથી બચાવવા માટે વોટ આપ્યો છે. આપણા બંધારણે જ લોકોને બીજી કટોકટી આવવાથી રોકવા માટે યાદ અપાવ્યું છે.

સંસદનું સત્ર શરૂ થવાના અડધા કલાક પહેલાં (૨૪ જૂનથી ૩ જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. ’૨૫મી જૂન એ ભૂલી ન શકાય એવો દિવસ છે. આ દિવસે બંધારણનો સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતને જેલમાં ફેરવવામાં આવ્યું હતું. લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી.’તેમણે કહ્યું હતું કે, ‘ભારતની લોકશાહી અને લોક્તાંત્રિક પરંપરાઓની રક્ષા કરતી વખતે દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં જે તે સમયે કરવામાં આવ્યું હતું તેવું કંઈ કરવાની હિંમત ફરી કોઈ નહીં કરે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે કટોકટી દરમિયાન બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું.’

તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ઈમરજન્સી ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ઈન્દિરા ગાંધીએ રેડિયોથી ઈમરજન્સીની જાહેરાત કરી. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં ૨૧ મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતીકટોકટીનાં મૂળિયાં ૧૯૭૧ની લોક્સભા ચૂંટણીમાં હતા, જ્યારે ઈન્દિરા ગાંધીએ રાયબરેલી બેઠક પર સંયુક્ત સમાજવાદી પાર્ટીના રાજનારાયણને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. પરંતુ રાજનારાયણ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા.

૧૨ જૂન, ૧૯૭૫ના રોજ હાઈકોર્ટે ઈન્દિરાની ચૂંટણી રદ કરી હતી અને તેમના પર ૬ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે ૨૩ જૂન ૧૯૭૫ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના નિર્ણય પર સંપૂર્ણ રોક લગાવી ન હતી અને ઈન્દિરાને વડાપ્રધાન તરીકે રહેવાની છૂટ આપી હતી. આ પછી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી.