મોદી સરકારની ખાસ ઉદ્યોગગૃહો સાથે લૂંટ નિતિને ખુલ્લી પાડવા ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રા યોજાઈ.

  • મોદી સરકાર અદાણી સ્કેમ અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં કેમ ડરે છે ? : કોંગ્રેસ

અમદાવાદ,

મોદી સરકારની ખાસ ઉદ્યોગગૃહો સાથે લૂંટ નિતિને ખુલ્લી પાડવા સરદાર બાગ થી રાજીવ ગાંધી ભવન સુધી ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ચારેબાજુ મોઘવારી, ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, ધંધા રોજગારમાં ભીષણ મંદી સહીતની મુશ્કેલીઓમાંથી રાહત આપવાને બદલે લોટ, તેલ સહીતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છેરોજીંદા જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને થયા છે. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૦ રૂપિયાના થયેલા ભડકાથી સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. ચુંટણી સમયે ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આપનાર તેલિયા રાજાઓ ચુંટણી પતી ગયા બાદ મન ફાવે તે રીતે ગુજરાતની જનતાને લુટી રહ્યા છે.ભાજપ સરકારનું મોઘવારી મુદ્દે સૂચક મૌન તેની સાબિતી છે.

એલ.આઈ.સી. તથા એસ.બી.આઈ.ના કરોડો ખાતા ધારકો અને બચતર્ક્તાઓની મહામુલી મૂડી ઉદ્યોગપતિઓના ઉદ્યોગગૃહોમાં અવિચારી રોકાણના કારણે જે નુક્સાન થઈ રહ્યું છે, ધોવાઈ ગઈ છે ત્યારે દેશના કરોડો નાગરિકોના હિતમાં મૌન મોદી સરકાર મિત્રકાળ પર સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને સામાન્ય – મધ્યમવર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના ૨૯ કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના ૪૫ કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી અને એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોને ભારે નુક્સાની સહન કરવી પડી રહી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ ૮૦,૦૦૦ કરોડનું દેવું છે. ગુજરાત કોંગ્રેસ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રાણ પ્રશ્ર્નો અને જે મુદ્દાઓ ગુજરાતની પ્રજા સમક્ષ લઈને ગઈ હતી તે મુદ્દાઓને વળગી રહીને ગુજરાતની પ્રજા માટે ન્યાય અને અધિકારની લડત ચાલુ રાખશે. કોંગ્રેસ પક્ષ જાણવા માંગીએ છીએ કે મોદી સરકાર સંસદના બંને ગૃહોમાં આરામદાયક બહુમતી ધરાવતા હોવા છતાં અદાણી સ્કેમ અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં કેમ ડરે છે?

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ‘મિત્રનિતિ’ ને કારણે થયેલા અદાણી મહાગોટાળાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરવાની માંગ સાથે અમદાવાદમાં સરદાર બાગથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો – સ્થાનિક નાગરિકો જોડાયા હતા. બેફામ બેરોજગારી, વ્યાપક પ્રમાણમાં પેપરલીંક, સરકારી ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિ, ગોટાળા, ખેડૂતોની આર્થિક નાજૂક હાલાત, નુક્સાન, મહિલાઓ પર સતત વધતા જતા અત્યાચારની સામે ‘હાથ થી હાથ જોડો’ યાત્રા યોજાઈ હતી.કેન્દ્ર સરકારની ઉદ્યોગગૃહો સાથે લૂંટ નિતિ પર ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રી ડૉ. તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, સહિતના આગેવાનો ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રામાં જોડાયા હતા.