મોદી સરકારના શાસનમાં ચીન એક ઇંચ પણ જમીન કબજે કરી શક્યું નથી,અમિત શાહ

લખીમપુર, આગામી લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના પ્રવાસે છે. તેમણે મંગળવારે રાજ્યના લખીમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારમાં ચીન ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શક્યું નથી. તેમણે કહ્યું કે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં ચીનના આક્રમણ દરમિયાન આસામ અને અરુણાચલને એકલા છોડી દીધું હતું.

શાહે કહ્યું, જ્યારે ચીને હુમલો કર્યો… લડવાને બદલે જવાહરલાલ નેહરુએ આસામને બાય-બાય કહ્યું હતું. આસામ છોડી દીધું હતું. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારમાં ચીન દેશની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શક્યું નથી. આ પ્રકારનું શાસન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. તેમણે કહ્યું કે, અરુણાચલ અને આસામ ૧૯૬૨ને ક્યારેય ભૂલી શક્તા નથી. નરેન્દ્ર મોદીના સમયમાં, તેણે (ચીને) ડોકલામમાં થોડી હિંમત કરી… તેને ૪૩ દિવસ સુધી રોકી રાખ્યું અને નરેન્દ્ર મોદીએ તેને પાછા જવા માટે દબાણ કર્યું.

ગૃહમંત્રીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારે બાંગ્લાદેશ સાથેની દેશની સરહદ પણ સુરક્ષિત કરી અને ઘૂસણખોરી અટકાવી. તેમણે વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં આસામ દેશના અન્ય રાજ્યોની જેમ વિકસિત રાજ્ય બનશે. કોંગ્રેસ પાર્ટીએ વર્ષોથી રામ મંદિરનો મુદ્દો પેન્ડિંગ રાખ્યો હતો. આ નિર્ણય વડાપ્રધાન મોદીના સમયમાં આવ્યો હતો. ભૂમિપૂજન થયું અને અંતે ૨૨મી જાન્યુઆરીએ અભિષેક થયો.