
ભોપાલ,
છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બે લાખ કરોડ રૂપિયાને ’ખોટા હાથમાં’ જવાથી બચાવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં આ વાત કહી. તેઓ ભોપાલમાં ’૨૧મી સદીના વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની આર્થિક ક્ષમતા’ વિષય પર ’દત્તોપન્ત ઠેંગડી મેમોરિયલ નેશનલ લેક્ચર સિરીઝ-૨૦૨૨’ ને સંબોધિત કરી રહી હતી. સીતારમણે જણાવ્યું કે ભાજપ અને મોદી સરકારે સ્ટાર્ટઅપ નીતિ બનાવીને પ્રોત્સાહિત કર્યા. અમે આગામી ૨૫ વર્ષ માટે ટેક્નોલોજી-સેવી ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા સાત-આઠ વર્ષમાં સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બે લાખ કરોડથી વધુની બચત કરી છે. ડ્ઢમ્ દ્વારા જતા રૂપિયા માટે આધાર વેરિફિકેશન કરવામાં આવે છે. યુપીએ સરકાર પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, જેઓ જન્મ્યા ન હતા, તેમને પણ રૂપિયા મળતા હતા.
સીતારમણે જણાવ્યું કે સ્વ-રોજગારના ક્ષેત્રમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. સ્ટાર્ટઅપની ક્રાંતિ ભારતના યુવાનોની છે. સીતારમણે જણાવ્યું કે ભારત પાસે તેના ડીએનએમાં ઉદ્યોગસાહસિક્તા છે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન કેન્દ્રીય યોજના હતી અને આ જ મોડલ દેશભરના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે દુનિયામાં સામ્યવાદના નામે માત્ર ચીન જ બચ્યું છે પરંતુ તે મૂડીવાદીઓની મદદથી પોતાની અર્થવ્યવસ્થાનું નિર્માણ પણ કરી રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ભારત એક પ્રાચીન, અદ્ભુત અને મહાન રાષ્ટ્ર છે. ભારતે વિશ્વ ને જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે. ભારતનું સ્થાન સભ્યતા અને સંસ્કૃતિમાં મોખરે રહ્યું છે.
તેમણે જણાવ્યું કે અગાઉની સરકારોની સરખામણીમાં આજે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું યોગદાન ૯.૫ ટકા સુધી પહોંચી ગયું છે. ચૌહાણે જણાવ્યું કે ભારત ફરી એકવાર વિશ્વ ગુરુના માર્ગ પર આગળ વધી રહ્યું છે. દુનિયા ભારતની ક્ષમતા જોઈ રહી છે. ભારત વિશ્વ ના ઘણા દેશોમાં અનાજ મોકલી રહ્યું છે.