મોડી રાત્રે તમામ ઘીના ડબ્બાઓ કબજે કરી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને નોટિસ લગાવી સીલ કર્યું

અમદાવાદ, અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અંબાજી પોલીસ, ગાંધીનગર ફૂડ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોડી રાત્રે તમામ ઘીના ડબ્બાઓ કબજે કરી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને નોટિસ લગાવી સીલ કર્યું છે. પોલીસ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે માલિક હાજર મળી આવ્યો નહોતો.

ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ અને અંબાજી પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની મદદ લઈ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી. મોહિની કેટરર્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તેઓએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં વેપારી નીલકંઠ ટ્રેડર્સ પાસેથી આ ઘીના ડબ્બા ખરીદ્યા હતા. જેના પગલે માધુપુરા ખાતે દુકાન અને ગોડાઉનમાં તપાસ કરવા માટે જ્યારે ટીમ પહોંચી ત્યારે ત્યાં માલિક હાજર મળી આવ્યો નહોતો.

ફૂડ વિભાગની ટીમે નીલકંઠ ટ્રેડર્સમાંથી ૧૫ કિલોના ૩ ઘીના ડબ્બા કબજે કર્યા છે. દરોડા દરમિયાન માલિક હાજર ન મળી આવતા ગોડાઉન અને દુકાન બંને સીલ કરી દીધી છે. નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘીના સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાં મોહિની કેટરર્સ પાસેથી સીલ કરવામાં આવેલા ઘીના ડબ્બાઓ પર છાપવામાં આવેલા બેચ નંબર, ડબ્બાઓનું સ્પેસિફિકેશન, લેબલ વગેરે ધારાધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું છે. સાબર ડેરીના બનાવટી લેબલ લગાવી અને વાપરવામાં આવ્યું હતું.

અમદાવાદના માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી અંબાજી આ મોહિની કેટરર્સને જે ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું. તેમાં બેચ નંબર, પેસિફિકેશન લેબલ વગેરે ધારાધોરણ મુજબ હતું કે કેમ તેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ અને ગાંધીનગર ફૂડ એન્ડ સેફટી ટીમ જ્યારે માધુપુરામાં નીલકંઠ ટ્રેડર્સની દુકાનમાં પહોંચી ત્યારે કારીગરો જ હાજર હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ત્યાંના હાજર કારીગરોએ કોઈ પણ પ્રકારનો સહકાર કર્યો નહોતો. ઊલટાનું જ્યારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને તેઓને સરખો જવાબ આપવામાં આવતો નહોતો. ગોડાઉનની ચાવી માગવામાં આવી અને ગોડાઉન ખોલવાનું કહ્યું તો તેઓએ ગોડાઉનની ચાવી ન હોવાનું જણાવી દીધું હતું અને તેઓને કંઈ ખબર ન હોવાનું રટણ કરતા હતા. આમ નીલકંઠ ટ્રેડર્સના કારીગરો દ્વારા ફૂડ વિભાગની ટીમને સહકાર ન આપવામાં આવતા ક્યાંક ને ક્યાંક હવે નીલકંઠ ટ્રેડર્સની શંકાસ્પદ કામગીરી હોવાનું જણાય છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાન અને ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે, જ્યારે હવે દુકાનના માલિક આવશે ત્યારબાદ સેમ્પલ વગેરે લઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં સૌથી મોટુ ઘી અને તેલ બજાર આવેલું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા બેથી છ મહિનામાં કોઈ પણ ઘીના સેમ્પલ લઈ અને દુકાન કે ગોડાઉનને સીલ મારવામાં આવ્યું હોય તેવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો અમદાવાદ શહેરના સૌથી મોટા ઘી અને તેલના બજારમાં ક્યાંય પણ ભેળસેળીયું ઘી મળતું જ નથી તેમ કહી શકાય. પરંતુ અંબાજીમાં જ પ્રસાદમાં વપરાતા ઘી અમદાવાદના માધુપુરા વિસ્તારની દુકાનમાંથી જ ખરીદવામાં આવ્યું હતું અને સેમ્પલ ફેઈલ જતા હવે કાર્યવાહી કરવામાં આવી છે.