નવીદિલ્હી,
હોળીના તહેવારના દિવસે રાજધાની દિલ્હીના મલાઈ મંદિર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ઝડપી થાર વાહને ૯ લોકોને કચડી નાખ્યા હતા. બેકાબૂ થાર સાથે ૨ અન્ય વાહનો પણ અથડાયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. જો કે બે ઇજાગ્રસ્તોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે ૭ ગંભીર ઇજાગ્રસ્તો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસ સ્ટેશન બસંત વિહારના અધિકારીઓએ આપી છે.
અહેવાલો અનુસાર આ ઘટના દક્ષિણ પશ્ર્ચિમ જિલ્લામાં સ્થિત વસંત બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નિયંત્રણ ગુમાવવાને કારણે થાર પોલ સાથે અથડાઈ અને પછી અન્ય વાહનોને કચડી નાખ્યા. થારની સ્પીડ એટલી વધારે હતી કે તેની ટક્કરથી અન્ય બે કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં હાજર લોકોને પણ ઈજા થઈ હતી. સામેથી આવતી એક સાયકલને પણ અડફેટે લીધી, તો રસ્તાની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી સાથે અથડાતા જ થાર રમકડાની જેમ પલટી ગઈ. અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
હોળી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને શહેરવાસીઓ સલામત રીતે તહેવાર ઉજવે તેવી શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત પોલીસને રાત્રે થાર યમરાજ બન્યાના સમાચાર મળતા જ ઉંઘ ઉડી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ સુરક્ષામાં તૈનાત પીસીઆર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.