મોદીનો જાદુ દરેક જગ્યાએ કામ કરી રહ્યો છે: અમિત શાહ

બિદર,

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે કર્ણાટકના બિદરમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગઈકાલે જ કર્ણાટકથી હજારો કિ.મી. સુદૂર ઉત્તર પૂર્વ (ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય)માં કોંગ્રેસનો સફાયો થયો છે. તે એટલો હારી ગયો છે કે તેને દૂરબીનથી પણ જોઈ શકાતો નથી. કોંગ્રેસને નાગાલેન્ડમાં ૦, મેઘાલયમાં ૩ અને ત્રિપુરામાં માત્ર ૪ બેઠકો મળી છે.

અમિત શાહે કહ્યું કે એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ પૂર્વોત્તરમાં પ્રવેશ કરી શકશે નહીં, જ્યાં બીજી વખત એનડીએ અને ભાજપની સરકાર બની રહી છે. મોદીજીનો જાદુ ઈશાનથી લઈને ગુજરાત, ઉત્તર પ્રદેશથી કર્ણાટક સુધી ચાલી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીનું સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યું છે. તેઓ ‘મોદી તેરી કબર ખુદેગી’ ના નારા લગાવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના લોકો કહી રહ્યા છે ‘મોદી તમે મરી જાઓ’. આવું કહીને ભગવાન તમારી વાત નહીં સાંભળે, કારણ કે દેશના ૧૩૦ કરોડ લોકો મોદીજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમિત શાહે જનતા દળ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, બંને વંશવાદી પક્ષો છે. તેઓ ક્યારેય કર્ણાટકનું કલ્યાણ કરી શક્તા નથી. સિદ્ધારમૈયાએ દિલ્હીમાં રહેતા પરિવાર માટે એટીએમ બનવા સિવાય બીજું કંઈ કર્યું નથી. તેમણે ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નથી. હું તમને બધાને વિનંતી કરું છું કે આવા લોકોને ક્યારેય કોઈ તક ન આપો અને ક્યારેય તમારી જાતને જોખમમાં ન નાખો.