મોદીની કાશ્મીર મુલાકાત પહેલા બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતના એક દિવસ પહેલા ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના રફિયાબાદ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક્ધાઉન્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એક્ધાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનો પણ ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ઉસ્માન અને ઉમર ઉર્ફે રેબિટ તરીકે થઈ છે. આતંકવાદી ઉસ્માન આઇઇડી વાવવામાં નિષ્ણાત હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. બંને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

૭ સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડર બ્રિગેડિયર દીપક મોહને રફિયાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ’માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ઉસ્માન અને ઉમર તરીકે થઈ છે, જેઓ પાકિસ્તાની મૂળના હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.’ બ્રિગેડિયરે કહ્યું કે ઉસ્માન ૨૦૨૦થી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો. સેનાના અધિકારીએ કહ્યું કે ઓપરેશન બાદ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. તેમણે કહ્યું કે આ સફળતાનો શ્રેય કાશ્મીરી લોકોને જાય છે. સુરક્ષા દળો કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સતત પ્રયાસો કરતા રહેશે.

હડીપોરા ગામમાં એક્ધાઉન્ટર શરૂ થાય તે પહેલાં વહીવટીતંત્રે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીની ખાતરી કરવા માટે સરકારી ડિગ્રી કોલેજ હડીપોરા અને પનાશ સંસ્થાને બંધ કરી દીધી હતી. સોમવારે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના અરગામમાં લશ્કર-એ-તૈયબાના છ શ્રેણીના આતંકવાદી ઉમર અકબર લોનને ઠાર માર્યો હતો, તે બારામુલ્લા જિલ્લાના વસન પટ્ટનનો રહેવાસી હતો. તેના પર દસ લાખ રૂપિયાનું ઈનામ હતું.

જમ્મુ ડિવિઝનમાં ૯ અને ૧૧ જૂન વચ્ચે થયેલા ચાર આતંકવાદી હુમલા પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧૪ અને ૧૬ જૂનના રોજ દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા પરિદ્રશ્ય પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં, તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ત્વરિત પ્રતિસાદ સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રિયાસી, કઠુઆ અને ડોડામાં ચાર સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન શહીદ થયા હતા. જ્યારે એક નાગરિક અને ઓછામાં ઓછા સાત સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.