- અમેરિકાના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે,મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે છે.
નવીદિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસે પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં મંગળવારે પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરતી વખતે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન મોદીને એવું લાગે છે કે તેઓ બધુ જ જાણે છે. તેઓ ભગવાનને પણ જ્ઞાન આપી શકે છે, જે બાદ ભગવાન પણ વિચારમાં પડી જશે કે તેમણે આ શું બનાવી દીધું!
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં જે પરંપરા છે…ગુરુ નાનક અને ગાંધીજી જેવા નેતાઓએ ક્યારેય એવું નથી કહ્યું કે તેઓ બધું જાણે છે. આ દુનિયા ખૂબ મોટી અને જટીલ છે. આ જ સમસ્યા અને બીમારી છે કે ભારતમાં એવા ઘણા લોકો છે, જેઓને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તેઓને એવું પણ લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તેઓ ભગવાનની સાથે બેસી શકે છે અને તેમને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. આપણા વડાપ્રધાન પણ આવા લોકોમાંથી એક છે. મને લાગે છે કે જો આપણે તેમને ભગવાનની બાજુમાં બેસાડી દઈશું તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે. ભગવાન પણ ભ્રમિત રહી જશે કે મેં શું બનાવી દીધું? આ મજેદાર વસ્તુ છે, પરંતુ એવું જ થઈ રહ્યું છે. જોકે, જ્યારે રાહુલ ગાંધી પોડિયમ પર બોલી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ જવાબમાં હસીને કહ્યું કે, તેઓ નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છે.૨૦૧૯માં મોદી સરનેમ પર આપેલા ભાષણને લઈને સુરત કોર્ટ દ્વારા આ વર્ષે માર્ચમાં બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાહુલને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે રાહુલે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ પણ સરેન્ડર કરી દીધો છે. આ પછી, તેણે દિલ્હી હાઈકોર્ટને સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની માંગ કરી. કોર્ટે રાહુલની માંગણી સ્વીકારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ત્યાં તેઓ ત્રણ શહેરોનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ત્યાં રહેતા ભારતીયોની સાથે સાથે અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરશે.