કાનપુર,કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દલિતો અને અન્ય પછાત વર્ગો માટે પૂરતી નોકરીઓનું સર્જન કરતી નથી અને રામરાજ્યમાં દેશની ૯૦ ટકા વસતિ સાથે ભેદભાવ કરે છે. કાનપુરમાં ’ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન એક જાહેરસભાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે આ કેવું રામરાજ્ય છે, જ્યાં પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ કે જેઓ કુલ વસ્તીના લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે, તેઓ નોકરી મેળવી શક્તા નથી.
દેશમાં પચાસ ટકા વસ્તી પછાત વર્ગની છે, ૧૫ ટકા દલિત છે, ૮ ટકા આદિવાસી છે અને ૧૫ ટકા લઘુમતીઓ છે. તેમને આ દેશમાં રોજગાર મળતી નથી. જો તમે પછાત, દલિત, આદિવાસી અથવા ગરીબ સામાન્ય વર્ગના છો તો તમને નોકરી મળી શકે નહીં.
નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે તમારા લોકોને નોકરી મળે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભારતમાં વર્ગ અને જાતિનું વિભાજન એટલું મોટું છે કે દલિતો અને પછાત લોકોને મીડિયા કે મોટા ઉદ્યોગોમાં કે નોકરશાહીમાં પ્રતિનિધિત્વ મળતું નથી. દેશમાં લોકો ભૂખથી મરી રહ્યા છે. તમે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોયો. કેટલા લોકો પછાત વર્ગના હતાં, કેટલા દલિત અને આદિવાસીઓ હતા. આદિવાસી રાષ્ટ્રપતિ (દ્રૌપદી મુર્મુ)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ભારતની પ્રગતિ માટે સૌથી મોટું ક્રાંતિકારી પગલું જાતિવાર વસ્તી ગણતરી છે.
ભારત જોડો ન્યાય યાત્રામાં ૨૬ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી વિરામ રહેશે. આ સમયગાળામાં રાહુલ ગાંધી તેમની ભૂતપુર્વ સંસ્થા કેમ્બ્રિજ યુનિવસટીમાં બે વિશેષ પ્રવચનો આપશે અને નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોમાં હાજરી આપશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ યાત્રા માટે આરામના દિવસો હશે. ભારત જોડો ન્યાય યાત્રા ૨૪ ફેબ્રુઆરીની સવારે ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી ફરી શરૂ થશે.