મોદી હોમવર્ક કર્યા પછી આવતા નથી’, કોંગ્રેસનો કાચથીવુ ટાપુ મુદ્દે મોટો હુમલો

  • આ ભાજપની ધ્યાન ભટકાવવાની રણનીતિ છે,કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ

નવીદિલ્હી, કોંગ્રેસે કાચાથીવુ ટાપુ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સોમવારે કહ્યું કે પીએમ મોદી હોમવર્ક કર્યા પછી આવતા નથી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૫માં મોદી સરકારે કાચાથીવુ ટાપુના મુદ્દે આરટીઆઈનો જવાબ આપ્યો હતો કે ન તો તેણે શ્રીલંકાને કોઈ જમીન આપી અને ન તો કોઈ જમીન લીધી. શું પીએમ મોદી નથી જાણતા કે આ ટાપુ પર ૨૦૧૪ સુધી માછીમારીનો અધિકાર હતો? ૨૦૧૪ પછી માછીમારીનો અધિકાર કેમ જતો રહ્યો? પીએમ મોદી અને ભાજપે આનો જવાબ આપવો જોઈએ. પવન ખેડાએ કહ્યું કે આવી હલકી વાતો કરવી વડાપ્રધાનને શોભતી નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ અને વિદેશ પ્રધાન એસ જયશંકરની કચથીવુ ટાપુના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ ભાજપની ધ્યાન ભટકાવવાની રણનીતિ છે. દરમિયાન રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમે કહ્યું કે આ વાહિયાત આરોપ છે.

ચિદમ્બરમે કહ્યું કે આ કરાર ૧૯૭૪ અને ૧૯૭૬માં કરવામાં આવ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદી તાજેતરના આરટીઆઇ જવાબનો ઉલ્લેખ કરી રહ્યા છે, ત્યારે તેમણે ૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ ના જવાબનો ઉલ્લેખ કરવો જોઈએ, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશ સચિવ હતા. તે જવાબ સ્પષ્ટપણે જણાવે છે કે વાટાઘાટો પછી ટાપુ આંતરરાષ્ટ્રીય સરહદની શ્રીલંકાની બાજુએ છે. ઇન્દિરા ગાંધીએ શા માટે સ્વીકાર્યું કે તે શ્રીલંકાની છે? શ્રીલંકામાં ૬ લાખ તમિલ પીડિતો હોવાથી તેમને શરણાર્થી તરીકે ભારત આવવું પડ્યું હતું. આ કરારના પરિણામે, ૬ લાખ તમિલો ભારતમાં આવ્યા અને અહીં તમામ માનવ અધિકારો સાથે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે વિદેશ મંત્રી જયશંકરે સોમવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસના વડાપ્રધાનોએ કાચથીવુ ટાપુ પ્રત્યે ઉદાસીનતા દાખવી અને ભારતીય માછીમારોના અધિકારો છીનવી લીધા છે. જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી જેવા વડા પ્રધાનોએ કાચથીવુને નાના ટાપુ અને નાના ખડક તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દો અચાનક સામે આવ્યો નથી પરંતુ તે હંમેશા જીવંત મુદ્દો રહ્યો છે. મુખ્ય દ્રવિડ પક્ષો વચ્ચે કચથીવુ પરત લેવાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.