
જમ્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશ્મીર ખીણમાં અનંતનાગ-રાજોરી લોક્સભા મતવિસ્તારના મતદારોને શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષની સામાન્ય ચૂંટણીમાં છેલ્લા ૩૫ વર્ષમાં સૌથી વધુ મતદાન થયું છે.
પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “લોક્સભાની ચૂંટણીમાં રેકોર્ડ મતદાન માટે અનંતનાગ-રાજોરીના મારા ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. તેમની ઉત્સાહપૂર્વકની ભાગીદારી તેમની લોકશાહી ભાવનાનો જીવંત પુરાવો છે.”
ચૂંટણી પંચના તાજેતરના ડેટા અનુસાર, શનિવારે અનંતનાગ-રાજોરી મતવિસ્તારમાં ૫૪.૩ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં મતવિસ્તારમાં ૧૪.૩ ટકા મતદાન થયું હતું.
આ વર્ષની ચૂંટણીમાં, ખીણના અન્ય બે સંસદીય મતવિસ્તારો – શ્રીનગર (૩૮.૪૯ ટકા), બારામુલ્લા (૫૯.૧ ટકા) -માં પણ દાયકાઓમાં સૌથી વધુ મતદાન થયું હતું. એકંદરે, વર્તમાન સામાન્ય ચૂંટણીઓમાં ખીણના ત્રણ મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી ૫૦.૬૩ ટકા રહી, જે ૨૦૧૯માં ૧૯.૧૬ ટકા હતી.
શનિવારે,સીઇસી રાજીવ કુમાર અને ઇસી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની આગેવાની હેઠળના પંચે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના લોકોએ અનંતનાગ રાજૌરી સંસદીય ક્ષેત્રમાં મતદાનમાં પણ લોકશાહીમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.’ અનંતનાગ-રાજોરી સંસદીય મતવિસ્તારમાં ૨૩૩૮ મતદાન મથકો પર મતદાન કેન્દ્રો પર લાઇવ વેબકાસ્ટિંગ સાથે મતદાન થયું હતું. બે મહિલાઓ સહિત કુલ ૨૦ ઉમેદવારોએ અનંતનાગ-રાજોરીથી લોક્સભા સીટ પર ચૂંટણી લડી હતી.