
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પૂર્વ પીએમ મનમોહન સિંહની પ્રશંસા કરી છે. પીએમ મોદી રાજ્યસભામાં ૫૬ સાંસદોને ફેરવેલના પ્રસંગે બોલી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે પૂર્વ પીએમે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું, તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે જે ૫૬ સાંસદોનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે તેમાં મનમોહન સિંહ પણ સામેલ છે.
પીએમ મોદીએ કહ્યું, હું ડૉ. મનમોહન સિંહનું સ્મરણ કરવા માંગુ છું. છ વખત આ સદનમાં નેતાના રૂપમાં અને વિરોધ પક્ષના નેતાના રૂપમાં તેમનું યોગદાન રહ્યું છે. તેમણે આ સદન અને દેશને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનની ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.
ડૉ.મનમોહન સિંહના યોગદાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું, ’ડૉ. મનમોહન સિંહે સદનનું કેટલીક વખત માર્ગદર્શન કર્યુંપજ્યારે સાંસદોના યોગદાનનો ઉલ્લેખ થશે તો મનમોહન સિંહની ચર્ચા જરૂર થશે. મનમોહન સિંહ વ્હીલચેરમાં આવ્યા અને એક પ્રસંગે તેમણે મત આપ્યો અને લોક્તંત્રને તાકાત આપવા આવ્યા..ખાસ તેમના માટે પ્રાર્થના છે કે તેઓ અમારૂ માર્ગદર્શન કરતા રહે.’
રિટાયર થઇ રહેલા સભ્યોને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે જે માનનીય સાંસદ જઇ રહ્યાં છે, તેમને જૂના અને નવા બન્ને સંસદ ભવનોમાં રહેવાની તક મળી છે. આ તમામ સાથી આઝાદીના અમૃતકાલના નેતૃત્વના સાક્ષી બનીને જઇ રહ્યાં છે. કોવિડના કઠિન સમયમાં આપણે પરિસ્થિતિને સમજી, પરિસ્થિતિના અનુકૂળ પોતાને ઢાળ્યા, કોઇ પણ પક્ષના કોઇ પણ સાંસદે દેશના કામને રોકાવા દીધુ નથી.