- શોર્ટકટને બદલે કાયમી વિકાસ કરીશું તો વારંવાર ચૂંટણી જીતીશું : વડાપ્રધાન
નાગપુર,
વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે નાગપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા વિપક્ષને જીતનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું- વોટ મેળવવા માટે આપણા દેશના કેટલાક નેતાઓ આમદમી અઠન્ની ખર્ચા રુપિયાવાળી યોજનાઓ ચલાવીને દેશને નબળો બનાવી રહ્યા છે. જનતાએ આવા નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ. વિશ્વ ના અનેક દેશો આમદમી અઠન્ની ખર્ચા રુપિયાવાળી કુનીતિથી બરબાદ થઈ ગયા છે. હું આવા નેતાઓને આદરપૂર્વક કહીશ કે કાયમી વિકાસના મહત્વને સમજો. શોર્ટકટના બદલે કાયમી વિકાસ કરીને તમે ચૂંટણી જીતી શકો છો, વારંવાર જીતી શકો છો.
પીએમ મોદીએ કહ્યું- આજે મહારાષ્ટ્રમાં ડબલ એન્જિનની સરકાર છે. તે ઝડપી ગતિએ કામ કરી રહી છે. અગાઉની સરકારોની અસંવેદનશીલતાને કારણે વિકાસના કામોમાં વિલંબ થયો, પરંતુ તેની કિંમત પણ મોટી હતી. તેમણે ઘોસી ખુર્દ ડેમનું ઉદાહરણ આપતાં કહ્યું- તેનો પાયો ૩૦-૩૫ વર્ષ પહેલા નાખવામાં આવ્યો હતો. તેનો અંદાજિત ખર્ચ ૪૦૦ કરોડ હતી. પરંતુ સરકારોની અસંવેદનશીલતાને કારણે કામ પૂર્ણ થઈ શક્યું નથી. વર્ષો સુધી અસંવેદનશીલતાને કારણે, આ પ્રોજેક્ટ લટકી રહ્યો. ૪૦૦ કરોડથી ડેમનો અંદાજિત ખર્ચ વધીને ૧૮ હજાર કરોડ થઈ ગયો. આ પ્રોજેક્ટને પૂરો કરવામાં ત્રણ દાયકાઓ વીતી ગયા. ૨૦૧૭માં ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ તેના કામમાં ઝડપ આવી. આ ડેમ હવે ભરાઈ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં ૫૨૦ કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં ઢોલ વગાડીને મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી કલાકારોની વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે ઢોલ પણ વગાડ્યો હતો.
મોદીએ આ યોજનાઓ અંગે વાત કરતા જનતાને સંબોધન પણ કર્યું હતુ. મોદીએ કહ્યું કે, આજે જે યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં બે ખાસ બાબતો છે. આ બે અલગ-અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. જેમ કે વંદે ભારત અને એઈમ્સ અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ છે. જેમ એક ગુલદસ્તામાં ઘણા ફૂલો છે, તેથી તે વિકાસનો ગુલદસ્તો છે, જેની સુગંધ દૂર દૂર સુધી ફેલાશે.
મોદીએ સંબોધન કરતા કહ્યું હતુ કે, દેશમાં પહેલીવાર આવી સરકાર છે, જેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માનવ સ્વરૂપ આપ્યું છે. અમારા તમામ પ્રોજેક્ટમાં માનવીય સ્પર્શ રહ્યો છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં સંવેદનશીલતા નથી હોતી ત્યારે તેમની પાસે માનવ સ્વરુપ પણ નથી હોતુ. જો માત્ર લોખંડ અને પથ્થર જ દેખાય તો તેનું નુક્સાન સામાન્ય જનતાને સહન કરવું પડે છે. ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યરી, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.આ પહેલા મોદી નાગપુર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતા પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.