પટણા, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ કુમાર મોદીનું ગઈકાલે રાત્રે દિલ્હીમાં ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. તેમને છ મહિના અગાઉ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી વડાપ્રધાન સહિત ઘણા મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુ:ખી છે. સુશીલ મોદીને તેમના “પાર્ટીમાં મૂલ્યવાન સાથી” અને “દશકોના મિત્ર” ગણાવ્યા. બિહારમાં ભાજપના ઉદય અને સફળતામાં તેમણે અમૂલ્ય ભૂમિકા ભજવી છે. કટોકટીનો સખત વિરોધ કરીને, તેમણે વિદ્યાર્થી રાજકારણ (સ્ટુડન્ટ પોલિટિક્સ)માં પોતાનું નામ બનાવ્યું. તેઓ ખૂબ જ મહેનતુ અને મિલનસાર ધારાસભ્ય તરીકે જાણીતા હતા. તેમને રાજનીતિ સાથે જોડાયેલા મુદ્દાઓની ઊંડી સમજ હતી,” પીએમ મોદીએ કહ્યું.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, “તેમણે પ્રશાસક તરીકે પણ ઘણું પ્રશંસનીય કામ કર્યું છે. ય્જી્ પસાર કરવામાં તેમની સક્રિય ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.’’
સુશીલ કુમાર મોદીના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટર પર પોસ્ઠ શૅર કરી લખ્યું છે કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સુશીલ મોદીજીના નિધન પર તેમના પરિવારના સભ્યો અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના. અમારી વિચારધારા અલગ હતી, પરંતુ લોકશાહીમાં દેશનું હિત સર્વોપરી છે. તેમણે જીએસટી કાઉન્સિલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.