કોલકાતા, ગત મહિને આરજેડી નેતા તેજસ્વી યાદવના માછલી ખાવા પર વડાપ્રધાન મોદીએ કટાક્ષ કર્યો હતો. બિહારનો આ માછલી મુદો હવે બંગાળમાં પહોંચ્યો હતો. આ વિવાદમાં હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કુદી પડયા છે. એટલું જ નહીં, તેમણે મોદીને કહ્યું છે- મોદી બાબુ ચાખશો?, હું આપના માટે (માછલી) પકાવીશ. મોદીના વિડીયો પર મમતાએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, મોદી નકકી કરશે કે શું ખાવું?
ખરેખર તો ચૈત્રી નવરાત્રી દરમિયાન આરજેડીના નેતા તેજસ્વી યાદવ માછલી આરોગતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેના પર મોદીએ કટાક્ષ કર્યા બાદ બંગાળમાં ચૂંટણી અભિયાનમાં તેમણે કહ્યું હતું કે, આ દરમિયાન કેટલાક હિન્દુ માંસાહારી ભોજનથી પરહેજ કરે છે અને માછલી ખાય છે.
આ મામલે મમતા બેનર્જીએ મોદી પર નિશાન સાધતા જણાવ્યું છે કે, જો તે (મોદી) ઈચ્છે તે હું તેમના માટે કંઈક (માછલી) રાંધવા તૈયાર છું. વધુમાં મમતાએ કહ્યું હતું કે જો કે મને વિશ્ર્વાસ નથી કે મોદી મારું રાંધેલું ખાય.
મમતાએ કહ્યું હતું કે, લોકો જે ઈચ્છશે તે ખાશે, જે શાકાહારી ખાવા ઈચ્છશે તે શાકાહારી ખાશે અને જે માંસ ઈચ્છશે તે માંસ ખાશે. આ દેશ આપણા બધાનો છે અહીં અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, પહેરવેશ છે.