’મોદી’ અટક બદનક્ષી કેસ:રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું- ’નોટ બીફોર મી’,

  • હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ અરજી કોણ સાંભળશે તે નક્કી કરશે.

સુરત,રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના ૨ વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં આવી હતી. જેમા તાત્કાલિક સુનાવણીની માગ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પરંતુ જસ્ટિસ ગીતા ગોપી એ ’નોટ બિફોર મી’ એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ અરજી કોણ સાંભળશે તે નક્કી કરશે. આગામી સમયમાં હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે.

રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, અરજન્ટ હિયરિંગ માગ સાથે જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડરે વિરોધ કરતા કહ્યું કે, આ અરજી સરક્યુલેશનમાં આવી શકે પણ હિયરિંગમા ન આવી શકે. જો કે, ચાંપાનેરીએ દલિલ કરી હતી કે, આ પ્રાઇવેટ ફરિયાદ છે અને રાજ્ય સાથે કોઈ લેવાદેવા નથી. એક નાના હિયરિંગ પછી ગીતા ગોપીએ અરજી ન સ્વીકારતા કહ્યું કે, ‘નોટ બિફોર મી’. આથી રજીસ્ટ્રાને આ કેસને ચીફ જસ્ટિસ પાસે મોકલી બીજી બેંચને એસેસમેન્ટ માટે મોકલી દ્યો.

દેશની અદાલતોમાં રોજના હજારો કેસ પર સુનાવણી થતી હોય છે. કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા-જુદા જજીસને કેસની સુનાવણી માટે ફાળવણી કરવામાં આવે છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા કોઈ કેસની સુનાવણીમાં ‘નોટ બીફોર મી’ કહેવામાં આવે છે. એટલે કે જજ આ કેસ પર સુનાવણી કરવા માગતા નથી.

હાઇકોર્ટના એડવોકેટ સુબ્રમણ્યમ ઐયરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જજ આવું કરી શકે છે. તે માટે સ્પેસિફિક કારણ જાહેર કરવા તેઓ બંધાયેલા નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે જજે કેસ સાથેના વકીલ સાથે અગાઉ કામ કર્યું હોય, વકીલે જુનિયર તરીકે જજની અન્ડર અગાઉ કામ કર્યું હોય, અસીલ કે વકીલ જજના સગા હોય એવું કોઈ પણ કારણ હોઈ શકે.

અગાઉ જગન મોહન રેડ્ડી સરકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ યુ.યુ. લલીતે પણ ‘નોટ બીફોર મી’ કહ્યું હતું. કારણ કે, યુ.યુ. લલિત અગાઉ જગન મોહન રેડ્ડીના વકીલ રહી ચૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૧૪ના લોક્સભા ચૂંટણીમાં વોટ આપવા જતી વખતે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કેસમાં પણ હાઇકોર્ટના જજ જી.આર. ઉધવાણી દ્વારા ‘નોટ બીફોર મી’ કહેવામાં આવ્યું હતું. અગાઉ પાટીદાર નેતા હાદક પટેલે રાજદ્રોહના કેસમાં ડિસ્ચાર્જ અપીલ દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ ‘નોટ બિફોર મી’ કહ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પુર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા ૨ વર્ષની સજા ફરમાવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સાંસદનું પદ રદ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી.પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે. હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના ૨ વર્ષની સજાના ચુકાદાને પડકારતી અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.