મોદી અટક બદનક્ષી કેસમાં રિવિઝન અરજી:મોદી અટકના ૧૩ કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, : અભિષેક મનુ સિંઘવી

સુરત,રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં ઉપસ્થિત છે. કોર્ટ રૂમમાં આજે અભિષેક મનુ સિંઘવી મોડા પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંકવામા આવી રહ્યા છે. વડાપ્રધાનની અટક ’મોદી’ છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદ કે કેસનો કન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓને વન બાય વન સિંઘવી પડકારી રહ્યા છે. મોદી અટકના ૧૩ કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થયો.

પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી; દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી પણ પૈસા લઈને ભાગી ગયા છે. ૩૦ હજાર કરોડ લોકોના લૂંટી લીધા. મોદી…મોદી..મોદી… બધા મોદી કેમ?

વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માંગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે(રાહુલ) જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.

રાહુલ ગાંધીએ ’મોદી’ અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટનાં જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ’નોટ બિફોર મી’ કહેતાં આ કેસ હવે જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગત સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગત સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્ણેશ મોદીને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. આજે આ સોગંદનામાના આધારે વધુ દલીલો થઈ શકે છે. ત્યાર બાદ હાઇકોર્ટનો નિર્ણય આવવાની શક્યતા છે.