- વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ દર્શાવે છે કે મોદી ધીમે ધીમે સંસદીય લોક્તંત્રને નષ્ટ કરી રહ્યા છે
મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. શરદ પવારે કહ્યું કે તેમની (મોદી) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ મતભેદ નથી. જણાવી દઈએ કે શરદ પવાર માધા અને સોલાપુર લોક્સભા સીટો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે સોલાપુર જિલ્લાના અકલુજમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય સિંહ મોહિતે પાટીલના ઘરે પહોંચ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતી વખતે પવારે કહ્યું, “મોદી નથી ઈચ્છતા કે વિપક્ષમાંથી કોઈ ચૂંટાય. વડાપ્રધાનનું આ પ્રકારનું વલણ દર્શાવે છે કે તેમની અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ મતભેદ નથી.
સોલાપુરમાં શરદ પવારે કહ્યું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ વર્તમાન મુખ્યમંત્રી (અરવિંદ કેજરીવાલ)ની ધરપકડ દર્શાવે છે કે મોદી ધીમે ધીમે સંસદીય લોક્તંત્રને નષ્ટ કરી રહ્યા છે અને દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે કોઈપણ લોકશાહીમાં સત્તાધારી પક્ષની જેમ વિપક્ષ પણ એટલું જ મહત્વનું હોય છે. દરમિયાન, જ્યારે લોક્સભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું, તેમના મેનિફેસ્ટો પર ટિપ્પણી કરવાનો આ યોગ્ય સમય નથી. જોકે, વચનો આપવા એ ભાજપની ખાસિયત છે.
શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક માધા અને સોલાપુર લોક્સભા મતવિસ્તાર પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ સુશીલ કુમાર શિંદે, વિજયસિંહ મોહિતે પાટિલ અને અન્ય પ્રતિષ્ઠિત અધિકારીઓ પણ હાજર હતા. વિજયસિંહ મોહિતે પાટીલના ભત્રીજા ધૈર્યશીલ મોહિતે પાટીલે આ સપ્તાહની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ એનસીપી (સપા)માં જોડાય તેવી શક્યતા છે. પવારે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે ધાર્યશીલ માધા લોક્સભા બેઠક પરથી ચૂંટણી લડે. તેમના પાર્ટીમાં જોડાવાનો નિર્ણય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની હાજરીમાં લેવામાં આવશે. સોલાપુર અને માધા બેઠકો અંગે ટૂંકી બેઠક ૧૬ એપ્રિલે યોજાશે.