મોદી અમેરિકાના પ્રવાસે જશે, ઈન્ડિયા આઈડિયા સમિટનું આયોજન કરાશે

નવીદિલ્હી, મોદી જુનની ૨૧ થી ૨૪ દરમિયાન અમેરિકાના પ્રવાસે જશે. આ મુલાકાત મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. મોદીની મુલાકાત પહેલા તા.૧૨ અને ૧૩ જૂને દિવસ ઈન્ડિયા આઈડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદેશી કંપનીઓ ભાગ લેશે.આ મુલાકાત દરમ્યાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થશે.બંને દેશોના સંરક્ષણ ઉત્પાદકોને લાભ આપવા માટે ઇન્ડસ એક્સનું પણ આયોજન કરશે.

મોદી આ મહીને અમેરિકાના મહેમાન બનવા જઈ રહ્યા છે. યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મોદીની મુલાકાત પહેલા ૧૨ અને ૧૩ જૂને ઈન્ડિયા આઈડિયા સમિટનું પણ આયોજન કરશે.જેમાં જેમાં ૨૦૦થી વધુ કંપનીઓ ભાગ લેશે. PM મોદીની મુલાકાતને સફળ બનાવવા માટે અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન આવતા અઠવાડિયે ભારત આવશે. જ્યાં તેઓ રક્ષા મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક કરશે.

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું હતું કે અમેરિકા અને ભારતની સરકારો, લોકો અને કોર્પોરેટ સંસ્થાઓ સકારાત્મક ઉર્જા સાથે આગળ વધી રહી છે. ભારત અને અમેરિકા લોકશાહીની દૃષ્ટિએ વિશ્ર્વમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.વધુમાં તેમને કહ્યું હતું કે બંને દેશોની વૈશ્ર્વિક શક્તિઓ કોઈપણ સંભવિત સંઘર્ષને રોકવામાં પણ સક્ષમ છે. આજે સમગ્ર વિશ્ર્વ વૈશ્ર્વિક મંચ પર ભારતની વધતી ભૂમિકાની ચર્ચા કરી રહ્યું છે.

આ ઉપરાંત સરકાર થી સરકાર કરાર હેઠળ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન જનરલ ઈલેક્ટ્રિકને ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવાની મંજુરી આપવા માટે હસ્તાક્ષર કરી શકે છે. આ બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને ટેક્નોલોજી સંબંધોને ઉપરના સ્તર પર લઈ જશે.આ કરારથી સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. બિઝનેસ કાઉન્સિલની એરોસ્પેસ અને ડિફેન્સ કમિટી ભારત અને અમેરિકાના સંરક્ષણ ઉત્પાદકોને લાભ આપવા અને બિઝનેશ સબંધોને નજીક લાવવા માટે ઇન્ડસ એક્સનું આયોજન કરશે.ઈન્ડો-યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અનુસાર પરમાણુ કરાર બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગમાં સુધારો જોવા મળ્યો છે.

યુએસઆઇએસપીએફ બોર્ડના સભ્યોએ ફેબ્રુઆરીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ બેઠક કરી હતી. જેમાં સંરક્ષણ ઉદ્યોગ સાથે સંબંધિત અમેરિકન કંપનીઓએ મોદી સરકારની આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ભારતમાં લશ્કરી હાર્ડવેર, સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન તકનીકો પર કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.