નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ, ઈટાલીનો સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ, આજે બુધવારે જણાવ્યું હતું કે, ઇટાલીના વડા પ્રધાન જ્યોજયા મેલોનીના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫૦મી ય્-૭ સમિટમાં ભાગ લેવા, આવતીકાલ ગુરુવારે ઇટાલીના અપુલિયા ખાતે જશે.
૫૦મી જી-૭ શિખર સંમેલન આ વખતે ૧૩ થી ૧૫ જૂન દરમિયાન ઇટાલીના અપુલિયામાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોજયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. મીટિંગમાં, બંને વડા પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.”
રશિયા યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો બેઠકમાં મહત્વનો રહેવાની ધારણા છે. જી૭ એ વિશ્ર્વની સાત આધુનિક અર્થવ્યવસ્થા ધરાવતા દેશનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. જી૭ શિખર સંમેલનમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઈડન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડોનો સમાવેશ થાય છે.