વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 સપ્ટેમ્બર 2024ના રવિવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીએમનું સ્વાગત કર્યું હતું. જોકે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર જવા રવાના થયા હતા. જ્યાં એરફોર્સ સ્ટેશન જશે અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાત્રિરોકાણ કરશે. જોકે, સુરક્ષાના કારણોસર છેલ્લી ઘડી સુધી પીએમ મોદીના વડસરના કાર્યક્રમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડથી નિયમિત સમય કરતા બે કલાક મોડા આવ્યા હતા. સાંજે સૂર્યાસ્ત બાદ કે 6 વાગ્યા પછી હેલિકોપ્ટર ઉડાવવાની મંજૂરી અપાતી નથી. જેથી તેઓ બાય રોડ વડસર પહોંચ્યા હતા.
જોકે, આવતીકાલે એટલે કે બીજા દિવસે 16 સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી મેટ્રોને લીલીઝંડી આપ્યા બાદ બપોરે અંદાજિત 1.30 વાગ્યે રાંદેસણ મેટ્રો રેલવે સ્ટેશન પાસે યુવાનો અને મુસાફરો સાથે વાતચીત કરશે. ત્યાર બાદ મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર ઊતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે.
જોકે, રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. પીએમ મોદી ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સવારે 9.45 વાગ્યે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે. વાવોલ ખાતે સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લઈને વડાપ્રધાન લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે.
16 સપ્ટેમ્બરે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી પીએમ મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજરી આપશે.
આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મિટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રોયાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે.
દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરશે
દેશની પહેલી સ્વદેશી ટ્રેન વંદે ભારત બાદ હવે ટૂંકા અંતરનાં શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે એ માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે. જ્યારે ટ્રેનના રેગ્યુલર સંચાલન દરમિયાન અમદાવાદ અને ભુજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, સાણંદ, વિરમગામ, સામખિયાળી, ગાંધીધામ સહિત 12 જેટલાં સ્ટેશનો પર ઊભી રહે એવી શક્યતા છે. જોકે ટ્રેનના સ્ટોપેજ સહિત સમયપત્રક અંગે આગામી એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.
16 સપ્ટેમ્બરે PM અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તેમજ 10,800 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે. જેને લઇને GMDC ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને થઈ ચૂકી છે. ચાર વિશાળ જર્મન ડોમમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે. 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદી સવારે અમદાવાદથી ભૂવનેશ્વર જવા રવાના થશે.