ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના પ્રધાનોના પોર્ટફોલિયોની વહેંચણી કરી હતી. મોદીએ પોતાના જૂના કમાન્ડરો પર વિશ્ર્વાસ રાખીને કેબિનેટમાં કોઈ મોટા ફેરફાર કરવાનું ટાળ્યું છે.વડાપ્રધાને બીજી વખત કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો અને તેમને ફરીથી રેલવે મંત્રાલય સોંપ્યું છે આથી આજે મંત્રી વૈષ્ણવે રેલ્વે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે જ તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો છે.
તેઓ રેલ્વે મંત્રી તરીકેનો ચાર્જ લેવા માટે વહેલી સવારે રેલ્વે મંત્રાલય પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ’લોકોએ પીએમ મોદીને ફરીથી દેશની સેવા કરવા માટે આશીર્વાદ આપ્યા છે. રેલ્વે બહુ મોટી ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ રેલવેમાં ઘણા સુધારા કર્યા છે. રેલ્વેનું વિદ્યુતીકરણ હોય, નવા ટ્રેકનું નિર્માણ હોય, નવા પ્રકારની ટ્રેનોનું નિર્માણ હોય, નવી સેવાઓ હોય કે સ્ટેશનોનો પુન:વિકાસ હોય, આ છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીની મોટી ઉપલબ્ધિઓ છે.
તેમણે વધુમાં કહ્યું, ’પીએમએ રેલવેને ફોક્સમાં રાખ્યું છે કારણ કે રેલવે એ સામાન્ય માણસની સવારી છે અને તે આપણા દેશની અર્થવ્યવસ્થાની ખૂબ જ મજબૂત કરોડરજ્જુ છે, તેથી રેલવે પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. મોદીજીનું રેલવે સાથે ભાવનાત્મક જોડાણ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.