હિંમતનગર, મોડાસા શહેરમાં આવેલ ચાંદ ટેકરી વિસ્તારમાં ફરી એકવાર ઘર્ષણનો મામલો નોંધાયો છે. સરકારી કર્મચારીઓ પર આ વિસ્તારમાં અગાઉ પણ હુમલા થયાની ઘટના નોંધાઇ છે. ત્યાં ફરી એકવાર હવે કર્મચારી પર હુમલાની ઘટના નોંધાઇ છે. ચાંદ ટેકરી વિસ્તારમાં ગ્રાહકનું વીજ બિલ બાકી હોવાને લઈ વીજ કર્મી ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.
બાકી વીજ બિલને લઈ ક્નેક્શન કાપવા માટે કર્મચારી પહોંચતા તેની પર હુમલો કરીને મૂઢ માર માર્યો હતો. તેના હાથમાં રહેલી વીજ બિલ બુકને પણ ફાડી નાંખી હતી. યુજીસીવીએલના કર્મચારી પર હુમલાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જ્યારે હુમલામાં ઘાયલ થયેલ કર્મચારીને મોડાસાની સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.