અરવલ્લી જિલ્લામાંથી વધુ એકવાર ગૌ માંસની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા શહેર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર ઉભી નહીં રહેતા ભાગી નિકળી હતી. જેને લઈ પોલીસે કારને ઝડપવા માટે પીછો કરવા સહિત અન્ય ટીમની મદદથી કોર્ડન કરીને રોકી લીધી હતી.
કાર ઝડપાયા બાદ તેની તલાશી લેવામાં આવતા માંસનો મોટો જથ્થો ભરેલો સામે આવ્યુ હતુ. જે માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકા પોલીસને જણાતા તેના સેમ્પલ FSL માં મોકલી આપવામાં આવ્યા હતા.
મોડાસા પોલીસ આનંદપુરા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તેને રોકવા માટે ઈશારો કરવા છતાં કાર ચાલકે કારને પૂરપાટ ઝડપે હંકારી મુકી હતી. કાર ભાગી નિકળવાને લઈ પોલીસે તેનો પીછો કર્યો હતો અને અન્ય ટીમની મદદથી તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. આમ આગળ જતા સેન્ટ્રો કારને રોકવામાં સફળતા મળી હતી અને કારને કોર્ડન કરી લેવામાં આવી હતી.
કારનો ચાલક પરિસ્થિતિ પામી જઈને ચપળતાપૂર્વક કારને બ્રેક મારીને રોડ સાઈડના ખેતરોમાં થઈને પલાયન થઈ ગયો હતો. પરંતુ કોડ્રાઇવર સીટ પર બેઠેલ યુવક પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને કારની તલાશી લેતા કારમાંથી માંસનો 245 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની પોલીસને પ્રાથમિક તપાસમાં જ આશંકા લાગતા FSL માં તપાસ અર્થે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.
સેમ્પલનો રિપોર્ટ ગાંધીનગરથી ગૌમાંસ હોવાનું સામે આવતા જ પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલો આરોપી 22 વર્ષનો જાબીર મહમંદ હનીફ તાસીયા ગોધરાના વેજલપુરના સાતપુલ વિસ્તારમાં ભુખરી પ્લોટ ખાખરીયા વાડી પાસે રહેતો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકને પણ શોધી નિકાળવા માટે પોલીસે તપાસ શરુ કરી છે. કારના નંબર આધારે કારના માલિક અને ચાલક રફીકની શોધખોળ શરુ કરવામાં આવી છે.