મોડાસામાં જૂના ડબાને ચમકાવીને ‘તેલ નો ખેલ’ કરાતો હોવાનો પર્દાફાશ

હિમતનગર, અરવલ્લી જિલ્લામાં તેલના જૂના ડબ્બાનો ઉપયોગ કરીને બજારમાં પ્રચલિત બ્રાન્ડના તેલના નામે અન્ય તેલ વેચવાના કારોબારનો પર્દાફાશ થયો છે. મોડાસા એસઓજીને મળેલી બાતમીને આધારે જીઆઇડીસીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ફેક્ટરીમાં આ પ્રકારે તેલના જૂના ડબ્બાને નવા અને જાણિતી બ્રાન્ડના નામે તૈયાર કરીને વેચાણ કરતુ હોવાનુ ખૂલ્યુ હતુ. પોલીસે કોપી રાઈટ સંદર્ભે કેસ નોંધીને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે.

જો તમે બજારમાંથી નવા તેલના ડબ્બાની ખરીદી કરતા હોય તો, એક વાર નહીં ૧૦ વાર જોઈ ચકાસીને પછી જ ખરીદી કરજો. ક્યાંક નવા જેવો દેખાતો પોલીશ કરેલો તેલનો ડબો જૂનો ના હોય અને એમાં ભરેલા તેલની વાસ્તવિક્તા કંઈક જૂદી જ ના હોય. કારણ કે આવો જ ખેલ મોડાસામાં પોલીસને હાથ લાગ્યો છે. મોડાસાની પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ઝડપી લીધો છે.

અરવલ્લી પોલીસની એસઓજી ટીમને આ અંગેની બાતમી મળી હતી. જેને લઈ ટીમ દ્વારા મોડાસા શહેરમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં પ્રાથમિક વિગતો મેળવીને દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શખ્શ ત્યાં હાજર મળી આવ્યો હતો અને જેની પાસેથી ૮ તેલના ડબા મળ્યા હતા. જે ડબા જાણિતી કપાસીયા તેલની બ્રાન્ડના નામે નકલી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. દરોડો પાડવા દરમિયાન પોલીસને તેલના નકલી ડબા તૈયાર કરવાનો સામાન પણ મળી આવ્યો હતો. સ્થળ પરથી મળી આવેલા શખ્શ અમિત શાહની પૂછપરછ કરતા આ દરમિયાન તેણે નકલી ડબા તૈયાર કરતા હોવાનુ વિગતો બતાવી હતી.