મોડાસામાં સાડા ૫ ઈંચ, ધનસુરામાં સાડા ૪ ઈંચ વરસાદ ખાબક્યો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ ભારે વરસ્યો છે. સોમવારે સવારે અને મોડી રાત્રી બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરમાં સોમવારે સવારે ધોધમાર વરસાદે ચારે તરફ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જી દીધા હતા. જ્યારે મોડી રાત્રી દરમિયાન પણ ભારે વરસાદ વરસવાને લઈ મોડાસા શહેર અને આસપાસના વિસ્તારના લોકોમાં હાલાકી સર્જાઈ હતી. મોડી રાત્રી બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસામાં અંતિમ ૨૪ કલાક દરમિયાન સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરા અને આસપાસના વિસ્તારમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આગાહીનુસાર જ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. એક રીતે વાવણીથી ખુશ ખેડૂતોને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવાની ચિંતા સતાવી રહી હતી. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ વાવણી નિષ્ફળ જવાની ભીતી સર્જાઈ છે.

સોમવારે વહેલી સવારથી જ મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. મોડાસામાં દિવસભર વાતાવરણ વરસાદી રહ્યુ હતુ. આ દરમિયાન મોડાસા શહેરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મોડાસા શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં ગત ૨૪ કલાક વરસાદી માહોલ સર્જાવાને લઈ સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર ધનસુરા અને બાયડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધનસુરામાં દરવખતની માફક હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરા વિસ્તારમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બાયડ અને માલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મેઘરજમાં અઢી ઈંચ અને ભિલોડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

અરવલ્લી: છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

મોડાસા ૧૩૫ મીમી

ધનસુરા ૧૧૬ મીમી

બાયડ ૮૫ મીમી

માલપુર ૮૨ મીમી

મેઘરજ ૫૭ મીમી

ભિલોડા ૩૬ મીમી